પોરબંદર, ૨૬મી નવેમ્બરના રોજ દેશમા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકતંત્ર લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી છે. બંધારણની મહત્તાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં ૨૬મી નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવીને પ્રસ્થાપિત કરી છે. રાજ્યમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ આ ઉજવણીમાં સહભાગી થયા હતા. દરેક જિલ્લાઓની જેમ પોરબદર જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પણ આ ઉજવણીમાં સહભાગી થયા હતા. પોરબંદરના કલેકટર શ્રી ડી.એન. મોદીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બંધારણના આમુખનુ સમુહ પઠન કરવામાં આવ્યુ હતુ. જેમા અધિક કલેકટર શ્રી રાજેશ તન્ના, નાયબ કલેકટર શ્રી કે.વી. બાટી, શ્રી વિવેક ટાંક, તેમજ મામલતદારશ્રીઓ અને અધિકારીઓ સહભાગી થયા હતા.
આ ઉપરાંત જિલ્લાની અન્ય કચેરીઓમાં પણ બંધારણ આમુખનુ સમુહ પઠન કરવામાં આવ્યુ હતુ. તે મુજબ ગ્રામ્ય મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા પણ બંધારણીય શપથ લેવામાં આવ્યા હતા પરંતુ આ તકે ગ્રામ્ય મામલતદારશ્રીની અનુપસ્થિતિએ આશ્ચર્ય સર્જ્યું હતું, જાણવા મળતી વિગત અનુસાર આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ થઇ છે. આ તકે ગ્રામ્ય મામલતદાર કચેરીનો સ્ટાફ ઉપસ્થિત હતો, અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના બંધારણમાં પુરુષ અને મહિલા સમાન અધિકાર ધરાવે છે તેમ છતાં આયોજકો દ્વારા મહિલાઓને બીજી હરોળમાં રાખીને ગ્રામ્ય મામલતદારની ઉપસ્થિતિ શા માટે જરૂરી હતી એ પુરવાર કર્યું હતું, જયારે ઉચ્ચ કક્ષાએ થયેલ રજુઆતમાં આમ બીજી વખત ન થાય તેવી માંગ જાગૃત અગ્રણીઓએ કરી હોવાનું જાણવા મળે છે.