નેશનલ હાઈવે પર 15KM સુધી જામ, અનેક રાજ્યોમાં એલર્ટ

દેશના લગભગ 80 ટકા ભાગમાં ચોમાસું બેસી ગયું છે. ગઈકાલે દિલ્હી અને મુંબઈમાં એક જ દિવસે ચોમાસું શરુ થયુ છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.કુમારે કહ્યું કે 62 વર્ષ બાદ પહેલીવાર આવું બન્યું છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, તેમજ રાજસ્થાનમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.

હિમાચલમાં ભૂસ્ખલનથી 83 રસ્તાઓ બંધ

પૂરના કારણે અનેક વાહનો તણાઈ ગયા

હિમાચલ પ્રદેશના બાગી અને મંડી સહિત અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ અને વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદને કારણે મંડી-કુલુ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોટું નુકસાન થયું છે. અચાનક આવેલા પૂરના કારણે અનેક વાહનો તણાઈ ગયા છે. મંડી જિલ્લાના બાગીપુલ વિસ્તારમાં પરાશર તળાવ પાસે અચાનક પૂર આવ્યું જેમાં મંડી પરાશર રોડ પર બગ્ગી પુલ પાસે પ્રવાસીઓ અને સ્થાનિકો સહિત 200થી વધુ લોકો ફસાયા હતા. ભૂસ્ખલનને કારણે લગભગ અનેક વાહનો ફસાયા છે. આ ઉપરાંત નેશનલ હાઈવે પર 15KM સુધી ટ્રાફિકજામ થયો છે. 

અનેક રાજ્યોમાં એલર્ટ

હવામાન વિભાગે ભારે વરસાદને લઈને ઉત્તરાખંડમાં રેડ એલર્ટ અને હિમાચલ પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત આવતીકાલે કેરળના પથનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, મલપ્પુરમ અને વાયનાડ જિલ્લાઓમાં ‘યલો’ ચેતવણી જારી કરી છે. આવતીકાલ માટે ઇડુક્કી જિલ્લામાં ‘ઓરેન્જ’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અનેક શહેરોમાં હવામાન બદલતા અને ભારે વરસાદ ખાબકતા જનજીવન પર અસર દેખાઈ રહી છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાય જવાને પગલે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે તો કેટલાક શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. 

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે શ્રી ગંગાનગર શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. IMD અનુસાર આજે શ્રી ગંગાનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ અથવા ધૂળની આંધી થવાની સંભાવના છે.