માટુંગામાં ૭૫ વર્ષીય વૃદ્ધાને વૉટસએપ પર વિદેશી નાગરિક તરીકે ઓળખ આપી પ્રેમનું નાટક કરી લગ્નના સ્વપ્ન દાખવીને જુદા જુદા કારણ દર્શાવીને રૂા. ૧૨.૬૩ લાખની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હતી.

આ મામલાની ઝીણવટભરી તપાસ હાથધરી નોઇડાથી બે યુવકની ધરપકડ કરાઇ છે. બંને આરોપીએ અન્ય કોઇ સાથે પણ છેતરપિંડી કરી છે કે કેમ એની તપાસ ચાલુ છે. માટુંગા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દિપક ચવ્હાણે જણાવ્યું હતું કે માટુંગા (પૂર્વ)માં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધાને વૉટસએપ કોલ કરીને આરોપીએ પોતાની ઓળખ  ક્રિસ પોલ તરીકે આપીને જર્મનીના નાગરીક હોવાનું કહ્યું હતું. ત્યારબાદ વૃદ્ધાને મીઠી વાતો કરીને પ્રેમની જાળમાં ફસાવ્યા હતા.

વૃદ્ધા સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી હતી. આરોપીએ ગત ૩ નવેમ્બરના વૃદ્ધાને ગિફ્ટ મોકલાવી હોવાનું કહ્યું હતું.  આ ગિફ્ટ કસ્ટમ્સ ક્લિયરન્સના લીધે એરપોર્ટ પર અટકી ગઇ હોવાનું જણાવીને ડયુટી ભરવાને  બહાને ફરિયાદી પાસેથી રૂા. ૩.૮૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા. પછી  આરોપી ક્રિસે  ૧૯ નવેમ્બરના લંડનથી દિલ્હી એરપોર્ટ પર આવ્યો હોવાનું વૃદ્ધાને કહ્યું હતું.

આરોપીએ તેની પાસે વધુ રોકડ રકમ હોવાથી એરપોર્ટ પરથી કસ્ટમ્સ અધિકારી છોડી રહ્યા નથી એવું જણાવ્યું હતું. કસ્ટમ્સ અધિકારીને પૈસા આપવાને છે એવું જુઠ્ઠાણું ચલાવીને આરોપીએ વૃદ્ધા પાસેથી રૂા. ૮.૭૮ લાખ  જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

થોડા સમય બાદ પીડિતાને તેની સાથે છિતરપિંડી થઇ હોવાનું જણાતા માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા આરોપી નોઇડામાં હોવાની જાણ થઇ હતી. પછી માટુંગા પોલીસની ટીમે નોઇડાની ૨૬ અને ૨૨ વર્ષના બે યુવકને ઝડપી લીધા હતા.

તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલા બે મોબાઇલ ફોન, એક રાઉટર, વિવિધ બેંકના આઠ ડેબિટ કાર્ડ, સાત ચેકબુક અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. કોર્ટે તેમને ૭ જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.