ગુજરાતના વાહનવ્યવહાર વિભાગે એક મોટો ફેરફાર કરીને નંબરપ્લેટ વિનાના વાહનો પર તવાઇ બોલાવવાનું નક્કી કર્યું છે. 1લી જુલાઇથી નંબરપ્લેટ વિનાના વાહનોમાં ભારે રકમનો દંડ ફટકારવામાં આવી શકે છે. નવા નિયમ પ્રમાણે હવે એપ્લાઇડ ફોર રજીસ્ટ્રેશન લખેલા સ્ટીકર પણ ચાલશે નહીં.

વાહન વ્યવહારના અધિનિયમ પ્રમાણે તેનો દંડ લાગશે 

વાહનચાલકો પસંદગીનો નંબર ન આવે ત્યાં સુધી વિના નંબરપ્લેટ વાહન ચલાવતા જોવા મળે છે પરંતુ આવતા મહિનાથી આ સિસ્ટમ બંધ થઇ રહી છે. જો કોઇ વાહન નંબર પ્લેટ સાથે કે ટેમ્પરરી નંબર સાથે માર્ગો પર ફરતા હશે તો વાહન વ્યવહારના અધિનિયમ પ્રમાણે તેનો દંડ ભરવાનો રહેશે. જો કે જુલાઇના પ્રથમ સપ્તાહ પહેલાં કોઇ વાહનની ડિલિવરી થઇ હશે તો તેને છૂટ આપવામાં આવશે. 

નવો નિયમ લાગુ થતાં ૧૫ દિવસનો સમય લાગી શકે  છે 

૧લી જુલાઇ પછી જો કોઇ વાહન નંબરપ્લેટ વિનાનું ધ્યાનમાં આવશે તો તેનો દંડ ભરવો પડશે. નવો નિયમ લાગુ થતાં ૧૫ દિવસનો સમય લાગી શકે તેમ છે. વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે નવો નિયમ ટુ-વ્હિલર, થ્રી વ્હિલર, કાર, માલસામાનના વાહનો, ટ્રેક્ટર અને અન્ય વાહનોને લાગુ પડશે. આ પ્રકારના વાહનોને આરટીઓમાં ફિઝિકલ વેરિફિકેશનની જરૂર રહેશે નહીં. એક વખત વાહનના પેપર અપલોડ થતાં નંબર જાહેર કરવામાં આવશે અને શોરૂમના ડિલરે વાહનચાલકને નંબર પ્લેટ ફીટ કરી આપવાની રહેશે. નવા નિયમ પ્રમાણેની નંબરપ્લેટ જે તે ડિલર વાહનચાલકને લગાવી આપશે. વિભાગે અગાઉ આવો નિયમ બનાવ્યો હતો પરંતુ વાહનચાલકો નંબરપ્લેટ માટે આરટીઓ કચેરીઓ જતા હતા.