પાટનગર ગાંધીનગરને પોલીસ કમિશ્નરેટ બનાવવા માટે ત્રણ વર્ષથી સતત પ્રયાસો થતાં હતાં પરંતુ હવે ગાંધીનગર પોલીસ કમિશ્નરેટ નહીં બને તેમ ગૃહ વિભાગના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. જેના કારણે ગાંધીનગર પોલીસ કમિશ્નર બનવાના કેટલાક આઈપીએસ અધિકારીઓના સપના પણ ચકનાચૂર થઈ ગયાં છે. વર્ષ ૨૦૨૦થી ગાંધીનગર પોલીસ કમિશ્નરેટ બનાવાય તે માટે રૂપાણી સરકાર વખતે દરખાસ્ત મુકાઈ હતી અને કમિશ્નરેટ માટેની પોસ્ટિંગ પણ સેન્સન કરી દેવામાં આવી હતી. પરંતુ કમિશ્નરેટ નહીં બનતાં હવે અનેક આઈપીએસ અધિકારીઓની આશાઓ ઠગારી નીવડી છે. કેટલાક આઈપીએસ અધિકારીઓ તો તેમના રાજકીય ગુરૂને પગે પણ પડી આવ્યા હોવાની પોલીસ બેડામાં ચર્ચાઓ ચાલી હતી પણ હવે તેનો અંત આવ્યો છે.

ગાંધીનગર પોલીસ કમિશ્નરેટ બનાવવાની પણ ત્રણ વર્ષ પહેલાંની યોજના

મળતી માહિતી પ્રમાણે કોઈપણ યોજનાની ત્રણ વર્ષ સુધી દરખાસ્ત કરવામાં આવી હોય અને તેમાં નિમણૂંકો પણ આપી દેવામાં આવી હોય તેવા કેસમાં ત્રણ વર્ષની સમય મર્યાદા પૂર્ણ થાય પછી તમામ નિમણૂંકો આપોઆપ ૨દ થઈ જાય છે. ગાંધીનગર પોલીસ કમિશ્નરેટ બનાવવાની પણ ત્રણ વર્ષ પહેલાંની યોજના હતી. હવે ત્રણ વર્ષ જેટલો સમય થતાંની સાથે નિયમ પ્રમાણે નિમણૂંક આપોઆપ રદ થઇ જશે.

 તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે પહેલ કરી હતી

જોકે, ગાંધીનગર પોલીસ કમિશ્નરેટ બનાવવા માટે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે પહેલ કરી હતી. પરંતુ આ યોજનાની અંદર મોટા કૌભાંડો અને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ થયો હોવાની ચર્ચા ચાલતી હતી. દર વર્ષે પોલીસ કમિશ્નરેટ બનશે એવી આશાઓ અધિકારીઓને આપવામાં આવતી હતી. પરંતુ તે હવે ઠગારી નીવડી છે. હાલ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર પોલીસ કમિશ્નરેટ છે. પાંચમું પોલીસ કમિશ્નરેટ બને તે પહેલાં જ તેનું બાળમરણ થયું છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લો હાલ ડીએસપીના તાબામાં છે. ગાંધીનગર પોલીસ કમિશ્નરેટ બનાવવા માટે નકશો, દરખાસ્ત તેમજ ડ્રાફ્ટ પણ તૈયાર કરી દીધો હતો અને ગૃહ ખાતામાં પણ મોકલી દેવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૧માં ગૃહ વિભાગે તેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડશે તેવી પણ ચર્ચાઓ થઈ હતી.

ગૃહ વિભાગે હજુ સુધી ગાંધીનગરને પોલીસ કમિશ્નરેટની મંજુરી આપી નથી

જો કે ત્રણ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં ગૃહ વિભાગે હજુ સુધી ગાંધીનગરને પોલીસ કમિશ્નરેટની મંજુરી આપી નથી. જેના કારણે હવે ગાંધીનગર પોલીસ કમિશ્નરેટ બનશે તે વાત પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. અમદાવાદ પોલીસ કમિશ્નરેટમાં આવતાં ચાંદખેડા, સોલા અને સાબરમતિ તેમજ અમદાવાદ જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશનનો પણ ગાંધીનગર પોલીસ કમિશ્નરેટ માટે સરવે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાલ | સ્ટેટ મોનિટરિંગ સેલના ડીસીપી નિર્લિપ્ત રાય અને આઈપીએસ ઉષા રાડા સહિતના કેટલાક અધિકારીઓની ગાંધીનગર કમિશ્નરેટમાં પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યા હતાં. જો કે ત્રણ ત્રણ વરસ સુધી કમિશ્નરેટ ના બનતાં નિયમ પ્રમાણે તમામ પોસ્ટિંગ રદ થઈ જાય છે. તેમ પોલીસ ભવનમાં બેઠેલા એક આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું.

By admin