રાજ્યમાં ‘અત્ર તત્ર સર્વત્ર’ મેઘમહેર!

હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી 24 કલાકમાં ચોમાસાના રાજ્યમાં સત્તાવાર આગમનની શક્યતા છે. તે પહેલાં રાજ્યભરમાં પ્રિમોનસૂન એક્ટિવિટી જોવા મળી હતી. જેના લીધે છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન અમદાવાદમાં પણ વહેલી સવારે જોરદાર વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારો ભિંજાયા હતા અને ઠેર ઠેર પાણી ભરાવાના દૃશ્યો પણ સર્જાયા હતા. 

24 કલાકમાં રાજ્યના 111 તાલુકા ભિંજાયા 

મળતી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસેલી મેઘમહેરના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ પંચમહાલના ગોધરામાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે તેના પછી ખેડાના માતર અને લોધિકા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. 

ચરોત્તર પ્રદેશમાં અનેક તાલુકા ભિંજાયા 

માહિતી અનુસાર આણંદ, પેટલાદમાં ત્રણ-ત્રણ ઈંચ જ્યારે ઉમરેઠ, હાલોલ અને નડીયાદમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાવલી, ઠાસરા અને ઉમરગામમાં પણ બે-બે અને મહેમદાવાદ, તારાપુરમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

આગામી 24 કલાકમાં ચોમાસાના સત્તાવાર આગમનની શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં ચોમાસાના સત્તાવાર આગમનની શક્યતા વધી ગઈ છે. અત્યારે પ્રિમોનસૂન એક્ટિવિટી દરમિયાન પણ સારો એવો વરસાદ પડ્યો હતો. હવે પ્રિમોનસૂન એક્ટિવિટી વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.