ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં રહેતા અને એક યુવાન પાસેથી ઓટીપી મેળવી રૂપિયા ૧.૨૯ લાખની છેતરપિંડી કરનારા વડોદરાના બે શખ્સોને સાયબર સેલ વિભાગે દબોચી લીધા બાદ વધુ કાર્યવાહી દિલ્હીના મુખ્ય માસ્ટર માઈન્ડ સુત્રધાર શખ્સને પોલીસે દબોચી લીધો છે.

દ્વારકા તાલુકાના મીઠાપુર ખાતે રહેતા એક યુવાને ગુગલ સર્ચ ઉપરથી બેંકના કથિત કસ્ટમર કેર નંબરમાં ફોન કરી અને ક્રેડિટ કાર્ડ પ્રોટેક્શન પ્લાન બંધ કરાવવા માટેની કાર્યવાહી દરમિયાન ચીટર ગેંગનો ભેટો થઈ ગયો હતો. વ્હોટ્સએપ કોલ મારફતે ઓટીપી મેળવી ચેટર શખ્સોએ જુદા જુદા બે ટ્રાન્જેક્શન મારફતે આ યુવાનના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ૧.૨૯ લાખ ઉપાડી લીધાનો બનાવ સાયબર સેલપોલીસ સમક્ષ નોંધાયો હતો.

આ પ્રકરણમાં પોલીસે વડોરાના રાહુલ રમેશભાઈ પરમાર (ઉં.વ.૩૧) અને મહંમદ યુસુફ અસફાક સૈયદ (ઉં.વ.૪૬) નામના બે શખ્સોને દબોચી લઈ, વધુ ઉંડાણપૂર્વકની તપાસ આદરી હતી. જેથી દિલ્હીના સત્યમ નામના એક શખ્સની સંડોવણી હોવનું ખુલવા પામ્યું હતું. 

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર સેલ વિભાગની ટીમે આ ચિટીંગ નેટવર્ક આખુ દિલ્હી ખાતેથી ચાલતુ હોવાની બાબત પ્રકાશમાં આવતા દિલ્હી ખાતે દોડી જઈ મુળ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના અને હાલ દિલ્હીમાં ઉત્તમનગર – જનકપુરી ખાતે રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા સત્યમ બાબપુ રામુ સવિતા (ઉં.વ.૨૬) નામના શખ્સને દબોચી લીધો હતો. જેની પુછપરછમાં નવમા ધોરણ સુધી અભ્યાસ કરેલો સત્યમ બાબુ વર્ષ ૨૦૧૭માં હૈદરાબાદ સાયબર ક્રાઈમ સેલમાં નોંધાયેલા ફ્રોડકોલ તેમજ હરીયાણા ફરીદાબાદ સેન્ટ્રલ સાયબર સેલમાં ચિટીંગના ગુનામાં પણ આરોપી હોવાનું ખુવા પામ્યું હતું. 

અગાઉ ૪૦ દિવસ જેલવાસ ભોગવી ચુકેલો સત્યમ વડોદરાના રાહુલ પરમારને અગાઉ જેલમાં મળી ગયો હતો. ત્યાં તેઓ વચ્ચે મિત્રતા થઈ હતી અને જેલમાંથી છુટયા બાદ સાયબર ક્રાઈમ કરવા માટેનું નક્કી કર્યુ હતું. સત્યમ દિલ્હીમાં રહી લોકો પાસેથી ક્રેડિટ કાર્ડ નંબર અને ઓટીપી મેળવી લેતો હતો. જેના આધારે રાહુલ પરમારે મની ટ્રાન્સફરના રીટેલર પાસેથી રૂપિયા ઉપાડી લેવાનું નક્કી થયું હતું. આ માટે તેઓએ વડોદરાના મહંમદ યુસુફનો સંપર્ક રી તેના એક્સિસ બેન્ક અને બેન્ક ઓફ બરોડના એઉન્ટ ઉપયોગ કરવા માટે લીધા હતા.

આ શખ્સોએ આજ સુધી કુલ રૂપિયા સાડા દસ લાખ જેટલું ટ્રાન્જેક્શન કરી પૈસા ઉપાડી લીધા હોવાનું વધુમાં ખુલવા પામ્યું હતું. આ રીતે અન્ય લોકો પણ ટોળકીનો ભોગ બની ચૂક્યા છે. આ પ્રકરણમાં સાયબર સેલ વિભાગના પી.આઈ. એ. વાય બ્લોચ દ્વારા આરોપી સત્યમની વિધિવત રીતે ધરપકડ કરી અને રિમાન્ડ દરમિયાન અન્ય કેટલાક ગુનાઓનો ભેદ ઉકેલદાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપી દેવભૂમિ દ્વારકા ખાતે લાવવામાં આવ્યા અને આવતીકાલે તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

– સાયબર ફ્રોડ સામે સાવચેત રહેવા પોલીસવડાની અપીલ

હાલ ટેકનોલોજીના યુગમાં વધતા જતા ઓનલાઈન ફ્રોડ સામે સાવચેતી કેળવવા માટે દેવભૂમિ દ્વારકા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા લોકોને સાવચેત રહેવા તેમજ બેંકની માહિતી માટે કોઈપણ ફોન કોલ આવે તો તેનો જવાબ નહીં આપવા અને જરૂર જણાય તો બેંકમાં રૂબરૂ જઈને માહિતી મેળવવા તથા આપવા અપીલ કરી છે. એટલું જ નહીં ગુગલ સર્ચ ઉપરથી મેળવેલા કોઈપણ કસ્ટમર કેરના નંબર ઉપર વિશ્વાસ કરવો નહીં તેમજ ઓટીપી, સીવીવી, ગુપ્ત પીન વગેરે શેર નહીં કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ અંગે જરૂર જણાય તો દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ સેલ અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવા વધુમાં જણાવ્યું છે.