હિંદુ ધર્મમાં અમરનાથ યાત્રાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે શિવભક્તો આ યાત્રાની આતુરતાપૂર્વક રાહ જુએ છે. અમરનાથ ધામને બાબા બર્ફાની તરીકે પણ ઓળખવામાં આવે છે. બાબા બર્ફાનીની આ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને તેમના અમરત્વનું રહસ્ય કહ્યું હતું. તેથી જ તેને અમરનાથ કહેવામાં આવે છે.

અમરનાથ યાત્રા 62 દિવસની હશે

ભગવાન શિવ અહીં બરફના લિંગના રૂપમાં બિરાજમાન છે, એવી માન્યતા છે કે જે વ્યક્તિ શિવના આ સ્વરૂપને જુએ છે તેને મોક્ષ મળે છે.  આ વર્ષે અમરનાથ યાત્રા 1 જુલાઈ 2023થી શરૂ થશે અને  31 ઓગસ્ટ 2023ના રોજ સાવન પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે. અમરનાથની આ સમગ્ર યાત્રા 62 દિવસની હશે. અમરનાથની યાત્રા ખુબજ મુશ્કેલ યાત્રા છે જેના પગલે અમરનાથ શ્રાઈન બોર્ડે આ યાત્રાને લઈને એક એડવાઝરી જાહેર કરી છે. 

યાત્રા પહેલા કસરત અને પ્રાણાયામ કરવું જોઈએ

અમરનાથ યાત્રામાં ખુબ જ ચાલવું પડે છે ખુબ જ ઊંચાઈએ ઉબડ ખાબડ રસ્તા હોય છે જેના પર ચાલવાની સામાન્ચ રીતે ટેવ હોતી નથી. ત્યારે આ એડવાઝરીમાં યાત્રાના એક મહિના અગાઉ સવાર-સાંજ બંને ટાઈમ મળીને દરરોજ 4થી 5 કિલોમીટર ચાલવાનું શરુ કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત ઊંચાઈવાળા સ્થળે કે જ્યા ખુબ જ પાતળી હવા હોય છે ત્યા કેટલાક લોકોને શ્વાસ લેવાની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેના માટે લોકોએ યાત્રા કરતા પહેલા ઉંડા શ્વાસ લેવાની કસરત અને પ્રાણાયામ કરવું જોઈએ.

યાત્રા માટે શારીરિક રીતે ફિટ રહેવું જરુરી

અમરનાથ યાત્રા શરુ થાય તે પહેલા શારીરિક રીતે સંપૂર્ણ રીતે ફિટ રહેવું ખુબ જ જરુરી છે. આ ઉપરાંત શરીરમાં ઓક્સિજનની યોગ્ય માત્રા માટે વ્યાયામ ખૂબ જ જરુરી છે. જો કોઈપણ વ્યક્તિને સ્વાસ્થ્યની કોઈ સમસ્યા છે તો યાત્રાએ જતા પહેલા ડોક્ટર દ્વારા ચેકઅપ કરાવીને યાત્રા કરવી જરુરી છે. યાત્રા દરમિયાન ધીરે ચાલવાનું રાખો તેમજ થોડી થોડી વારે આરામ કરો. જમ્મુ- કાશ્મીરમાં 14 કિલોમીટરની આ યાત્રામાં ઉંચાઈ, ઢાળવાળી ઊંચાઈ અને સાંકડા રસ્તાઓમાંથી ચાલવાનું હોય છે. આ માટે જ શ્રદ્ધાળુઓ માટે સ્વાસ્થ્ય સંબંધિત એડવાઝરી જાહેર કરવામાં આવી છે.