અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને શહેર  પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. ગઈકાલે પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રથયાત્રાના રૂટ પર  મેગા રિહર્સલ કરીને બંદોબસ્તની સમીક્ષા કરી હતી. 

પોલીસ દ્વારા ટ્રકોમાં GPS લાગાવાશે

અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં 101 જેટલા ટ્રક જોડાશે અને આ ટ્રકના યોગ્ય વ્યવસ્થાપન માટે પોલીસ દ્વારા ટ્રકોમાં GPS લાગાવાશે તેમજ દરેક ટ્રકમાં પોલીસના 4 જવાન તહેનાત રહેશે. આ ઉપરાંત દરેક ટ્રકે એક PI અને એક PSI તેમજ 20 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રામાં પોલીસ અધિકારીઓ, લશ્કરી-અર્ધ લશ્કરી દળના જવાનો સાથે 25 હજાર પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે બંદોબસ્તમાં તહેનાત રહેશે.  રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસે દરેક વિસ્તારમાં આવેલા શાંતિ સમિતિના સભ્યો સાથે, મહોલ્લા કમિટીના સભ્યો સાથે તેમજ મહિલા કમિટીના સભ્યો સાથે છેલ્લા એક મહિનાથી મીટિંગો શરૂ કરી હતી. આ વર્ષે 1224 શાંતિ સમિતિની મીટિંગ, 773 મહોલ્લા કમિટિની મીટિંગ તેમજ 226 મહિલા સમિતિની મીટિંગ કરવામાં આવી હતી. ​​​​​​​​​​​​​​રથયાત્રાના પસાર થનાર રૂટ ઉપર 1500 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 3 હાજર પોલીસ કર્મચારીઓ બોડી વોર્મ કેમેરાથી રથયાત્રાનું મોનિટરિંગ કરશે તેમજ પોલીસે કેમેરા માટે 5 મોબાઈલ પોર્ટેબલ પોલ ઉભા કર્યા છે. આ સાથે પોલીસના 127 વાહનો ઉપર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ ડ્રોનની મદદથી રૂટ પર સર્વેલન્સ કરવામાં આવશે. આ કેમેરાની લાઇવ ફીડ અમદાવાદ અને ગાધીનગર સ્થિતિ કંટ્રોલ રૂમથી પણ જોઇ શકાશે.


અમદાવાદમાં આગામી 20મી તારીખે 146મી રથયાત્રા યોજાશે, રથયાત્રાને લઈને ભક્તોને ભારે ઉત્સાહ જોવા મળ્યો

અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે રથયાત્રાને લઈને તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ રથયાત્રા પોલીસના કડક બંદોબસ્ત વચ્ચેથી પસાર થશે. રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે ભગવાન જગન્નાથ મામાને ઘરેથી મંદિરે પરત ફર્યા બાદ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી.

ભગવાન મંદિરે પરત ફરતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી

અમદાવાદમાં આગામી 20મી જૂને ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાશે ત્યારે તેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામને મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. આજે મંદિરમાં 15 દિવસ બાદ મામાના ઘરેથી ભગવાન મંદિરે પરત ફરતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બળદેવનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવે છે. સવારથી નેત્રોત્સવની વિધિ શરૂ કરવામાં આવી હતી. આ વિધિ મુજબ જ્યારે ભગવાન મામાના ઘરેથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવેલી હોય છે. જેને પગલે ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે ચંદનનો લેપ લગાવીને પાટા બાંધવામાં આવે છે.

આજે જમાલપુર નિજ મંદિરે ગર્ભગૃહમાં તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારબાદ ભગવાનની નેત્રોત્સવ પૂજા વિધિ કરવામાં આવી હતી. નેત્રોત્સવ વિધિ બાદ જગન્નાથજીના મંદિરે ધ્વજારોહણની વિધિ સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિખેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ શહેરના મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આજે નેત્રોત્સવ વિધિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાનના કપાટ ખૂલતાંની સાથે જ જય રણછોડ, માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. આજે ભગવાન મંદિરે પરત ફર્યા બાદ નેત્રોત્સવ વિધિ બાદ પ્રથમવાર મહાઆરતી ઉતારવામાં આવી હતી.