ચાંદખેડાના ઝૂંડાલ સર્કલ પાસે આવેલા બંગલોમાં રહેતાં જાણીતા ઓર્થોપેડીક સર્જનને હનીટ્રેપમાં ફસાવી નર્સે તેના સાગરિતો સાથે મળીને ૫૦ લાખની ખંડણી માંગી હતી. દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી સર્જનને મારમારીને આરોપીઓએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે, ઓર્થોપેડીક સર્જનને હનીટ્રેપમાં બ્લેકમેઈલ ખંડણી માંગતી ટોળકીએ દુષ્કર્મના ખોટો કેસ કરવા કંટ્રોલમાં ફોન કર્યો હતો. મંગળવારે રાત્રે બનેલા બનાવ અંગે ચાંદખેડા પોલીસે નડીયાદના જાણીતા સર્જનને હનીટ્રેપમાં ફસાવી ખંડણી માંગનાર બે મહિલા સહિત સાત આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી નર્સ અને તેના કહેવાતા ભાઈની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ હનીટ્રેપની આરોપી નર્સ એસજી હાઈવેની જાણીતી હોસ્પિટલમાં નર્સ છે. તે પગનું ચેકઅપ કરાવવાના બહાને સર્જનને મળી અને પ્રેમજાળમાં ફસાવ્યા હતા.
એસજી હાઈવેની જાણીતી હોસ્પિટલની નર્સે ચેક-અપના બહાને મળી સર્જનને ફસાવ્યો હતો
અમદાવાદમાં રહેતાં અને નડિયાદમાં ઓર્થોપેડીક સર્જન તરીકે પ્રેકટીસ કરતા ૩૭ વર્ષીય ડૉકટરએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એસજી હાઈવેની જાણીતી હોસ્પિટલની નર્સ સેજલ શિવાજી ડાંગર, મહેશ વાઘેલા, નીતીન મકવાણા, રવિન્દ્ર ગોહીલ, જીગ્નેશ શ્રીમાળી, રોહન વછેટા અને અજાણી યુવતી વિરૂદ્ધ બ્લેકમેઈલ કરી ૫૦ લાખની ખંડણી માંગી મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ સેજલને પગના ડાબા પંજામાં દુખાવો થતો હોઈ ફરિયાદી પાસે ચેક અપ માટે આવી હતી. ડૉકટરે રસોડીની ગાંઠ હોવાથી ઓપરેશન કરાવવાની વાત કરી હતી. સેજલે ફરિયાદી સાથે પ્રેમભરી વાતચીત કરી અમદાવાદમાં બતાવવું હોય તો ફોન કરીને આવી શકાય તેમ કહી ડૉકટર પાસે મોબાઈલ નંબર લીધો હતો. તેના બે દિવસ પછી સેજલે મેસેજ કરી વાતચીતનો દોર શરૂ કર્યો તેમજ ડૉકટર સાથે સંબધો કેળવ્યા તેની જોડે કારમાં નડીયાદ પણ જઈ આવી હતી.
આ રીતે ડૉકટરની નજીક આવ્યા બાદ સેજલે તેઓને ગત મંગળવાર ફોન કરતા બંનેએ અમદાવાદ ખાતેના ફરિયાદીના બંગલો પર મળવાનું નક્કી કર્યું હતું. નડીયાદની હોસ્પિટલથી નીકળી ડૉકટર અમદાવાદ પહોંચ્યા હતા. ચાંદખેડા ગાંઠીયા રથ પાસે ઉભેલી સેજલને રાત્રે કારમાં બેસાડી ફરિયાદી તેઓના બંગલા પર લઈ ગયા હતા. સેજલે ડૉકટર સાથે વાતચીત કરી બાદ બંનેએ એકબીજાની સહમતીથી શારિરીક સબંધો બાંધ્યા હતા. રાત્રીના ૧૧.૩૦ વાગ્યે ડૉકટરના ઘરનો દરવાજો ખખડતા તેઓેએ ડોર ખોલ્યો હતો. બહાર ઉભેલા વ્યક્તિએ હું સેજલનો ભાઈ છું, તમારા ત્યાં મારી બહેન આવી છે. ડૉકટરે સેજલને બહાર મોકલતા તેના કહેવાતા ભાઈ રોહને અન્ય લોકોને ત્યાં બોલાવ્યા હતા. આમ, સેજલ, રોહન સહિત સાત લોકો ડૉકટરના ઘરમાં ઘૂસ્યા અને રોહને ધમકી આપી કે, તમે મારી બહેન પર બળાત્કાર કર્યો છે. હું મારા પિતાને ફોન કરીને બોલાવું છું.
આ દરમિયાન એક વ્યક્તિએ ડૉકટરને છરી બતાવી નીચે બેસી જવા જણાવ્યું હતું. રોહને પતાવટ કરવી હોય તો ૫૦ લાખ આપી દે તેમ કહેતા ડૉકટરે મારી પાસે પૈસા નથી, તમારે જે કરવું હોય તે કરો તેમ જણાવ્યું હતું. ઉશ્કેરાયેલા આરોપીઓએ ઓર્થોપેડીક સર્જનને મારમારી છેલ્લા ૧૫ લાખની માંગણી કરી હતી. એક આરોપીએ ધમકી આપી કે, હું મર્ડર કેસમાં જેલમાં છું, જેથી તારૂ મર્ડર કરતા વાર નહી લાગે. જો કે, સર્જને રૂપિયા ના આપતા એક આરોપીએ પોલીસમાં ફોન કરતા ચાંદખેડા પોલીસ પહોંચી હતી. પોલીસ વાનમાં પહોંચી ડૉકટર સહિતના લોકો ચાંદખેડા પોલીસ સ્ટેશને આવ્યા હતા.
ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એસ.વણઝારાએ જણાવ્યું હતું કે, ચાંદખેડા પોલીસ સ્ટેશને તમામ લોકોને લાવીને પૂછપરછ કરતા સ્પષ્ટ થયું કે, ડૉકટરને હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપી આરોપીઓએ પૈસા પડાવવાની યોજના બનાવી છે. જેના પગલે ડૉકટરની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી સેજલ ડાંગર, તેના કહેવાતા ભાઈ રોહનની ધરપકડ કરી હતી. તેઓની મહિલા સાગરિત સહિતના આરોપીઓ ફરાર છે. ફરાર આરોપીઓમાં એક પત્રકાર હોવાનું તેમજ તેની સામે સાબરમતીમાં ખંડણીનો ગુનો અગાઉ નોંધાયો છે. જ્યારે ગોમતીપુર મર્ડર કેસમાં જેલમાં ગયેલો આરોપીની પણ સંડોવણી બહાર આવી છે.