મધ્ય પ્રદેશમાં આગામી મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. જોકે હજી ચૂંટણી ની તારીખ નક્કી થઈ નથી ત્યાં બંને મુખ્ય પક્ષોએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. પ્રજાને લલચાવવા માટે અનેક જાતના વચનો આપવામાં આવી રહ્યા છે, આટલેથી ન અટકતા મોટા મોટા દાવાઓ પણ થઇ રહ્યા છે. કોના વચન અને દાવાઓ કામ કરશે તે તો આગામી વિધાનસભા ચૂંટણીના પરિણામમાં જ ખબર પડશે. તાજેતરમાં આવેલા એક સર્વેમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે.જોકે કોંગ્રેસ પણ પાછળ નથી.આ સર્વેમાં 46 હજાર લોકોએ ભાગ લીધો હતો અને જણાવ્યું હતું કે તે રાજ્યમાં કોની સરકાર જોવા માંગે છે.
ભાજપને બહુમતી શક્યતા
ઓપિનિયન પોલ અનુસાર રાજ્યમાં ફરી એકવાર શિવરાજસિંહ ચૌહાણની આગેવાનીમાં ભાજપની સરકાર બની શકે છે, ભાજપને 45 ટકા વોટ મળવાની શક્યતા રહેલી છે. બીજી તરફ કોંગ્રેસને 39 ટકા વોટ મળે તેવી શક્યતા છે. ઓપિનિયન પોલના આંકડા અનુસાર ભાજપને 119 થી 129 જ્યારે કોંગ્રેસને 94 થી 104 બેઠકો મળી શકે છે.આ ઉપરાંત અન્ય પક્ષોને 16 ટકા વોટ સાથે 4-9 બેઠકો મળવાનું અનુમાન છે.
મુખ્યમંત્રીનો ચહેરો કોણ ?
સર્વેમાં મુખ્યમંત્રી તરીકે કોને જોવા માંગો છો તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં વર્તમાન મુખ્યમંત્રી અને મામાના નામથી ઓળખાતા શિવરાજસિંહ ચૌહાણનું લોકોએ નામ લીધું હતું. શિવરાજસિંહને 36 ટકા લોકો મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. બીજી પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને 23 ટકા,કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને 10 ટકા,દિગ્વિજયસિંહને 6 ટકા,કોંગ્રેસ નેતા જીતુ પટવારીને 9 ટકા,ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને 3 ટકા લોકો મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. આ ઉપરાંત 13 ટકાએ લોકોએ અન્ય કોઈ વ્યક્તિ મુખ્યમંત્રી બનવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.
સૌથી મોટો ચુંટણી મુદ્દો કયો ?
મધ્યપ્રદેશમાં બેરોજગારી યક્ષપ્રશ્ન છે. સૌથી વધુ 22 ટકા લોકોએ મુખ્ય ચુંટણી મુદ્દા તરીકે રોજગારનું નામ લીધું હતું . 16 ટકા લોકોએ વિકાસને સૌથી મોટો મુદ્દો જણાવ્યો હતો. બીજી તરફ 6 ટકા લોકોએ કાયદો અને વ્યવસ્થા તેમજ 11 ટકાએ ખેડૂતને સળગતો સવાલ ગણાવ્યો હતો. આ ઉપરાંત 10 ટકા લોકોએ ભ્રષ્ટાચાર અને 14 ટકાએ મોંઘવારીને સૌથી મોટો મુદ્દો ગણાવ્યા હતા.
મોદી ફેક્ટર કેટલું અસરકારક ?
વિધાનસભા ચુંટણી અગાઉ સર્વેમાં મોદી સરકારની કામગીરીને લઈને પણ સવાલ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની કામગીરીને લઈને પૂછવામાં આવેલ સવાલ ma 46 ટકાએ લોકો ખુબ જ સારું ગણાવ્યું હતું. 44 ટકાએ સંતોષજનક તેમજ 9 ટકા લોકોએ ઘણું જ ખરાબ ગણાવ્યું હતું જ્યારે એક ટકા લોકોએ પ્રતિભાવ આપવાનું ટાળ્યું હતું.