યુક્રેનના દક્ષિણી શહેર ઓડેસા પર રશિયાનો મિસાઈલ હુમલો.

રશિયન સેનાએ દક્ષિણ યુક્રેનિયન શહેર ઓડેસામાં રાતભર મિસાઈલો છોડી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક તંત્રએ આ જાણકારી આપી છે. હુમલામાં અનેક મકાનો, દુકાનો અને એક વેરહાઉસને નુકસાન થયું છે. પ્રાદેશિક વહીવટીતંત્રે ફેસબુક પર જણાવ્યું હતું કે કાળા સમુદ્રમાંથી કરાયેલા હુમલામાં સમુદ્રમાંથી છોડવામાં આવેલી ચાર કલિબ્ર ક્રુઝ મિસાઈલો સામેલ હતી. જેમાંથી ત્રણને હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા વચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી.

પ્રાદેશિક વહીવટીતંત્રએ જણાવ્યું કે, હુમલામાં ખાદ્ય ગોદામના ત્રણ કર્મચારીઓ માર્યા ગયા છે અને અન્ય 7 ઘાયલ થયા છે. બચાવ કાર્યકર્તાઓ હજુ પણ કાટમાળ નીચે જીવિત લોકોની શોધ કરી રહ્યા છે. આ હુમલામાં નજીકના મકાનોમાં રહેતા પાંચ લોકો અને એક સુરક્ષાકર્મી પણ ઘાયલ થયા છે.

યુક્રેનના જનરલ સ્ટાફના પ્રવક્તા એન્ડ્રે કોવાલોવે જણાવ્યું કે, રશિયન સેનાએ યુક્રેન પર મિસાઈલ અને હવાઈ હુમલા વધારી દીધા છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઓડેસા પ્રદેશ ઉપરાંત ખાર્કિવ, દોનેત્સ્ક, કિરોવોહ્રાદમાં પણ હુમલા કરવામાં આવ્યા હતા. તેમાં KH-22 ક્રૂઝ મિસાઈલ, સમુદ્રમાંથી છોડવામાં આવેલી કલિબ્ર ક્રૂઝ મિસાઈલ અને ઈરાન દ્વારા નિર્મિત શહીદ ડ્રોન સામેલ છે.