મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ સર્વેક્ષણને ટાંકીને રાજ્યના કેટલાક અખબારોમાં આખા પાનાની જાહેરાત અપાયાના એક દિવસ પછી પાર્ટી ડેમેજ કંટ્રોલ મોડમાં હોવાનું દેખાઈ રહ્યું છે. આ જાહેરાતોમાં લખાયું હતું કે, મુખ્યમંત્રી પદ માટે ભાજપના દેવેન્દ્ર ફડણવીસની સરખામણીમાં એકનાથ શિંદે રાજ્યની લોકોની પ્રથમ પસંદગી છે. આજે મહારાષ્ટ્રના અખબારોમાં શિંદેના નેતૃત્વવાળી શિવસેના તરફથી નવી જાહેરાતો છાપવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાના દિવંગત નેતા આનંદ દિઘેની તસવીરો જાહેરાતમાં સૌથી ઉપર જોવા મળી રહી છે.
નવી જાહેરાતમાં ફડણવીસ અને ભાજપના સિમ્બોલની એન્ટ્રી
આજે પ્રકાશીત થયેલી નવી જાહેરાતમાં બંને પક્ષોના પ્રતીક સામેલ છે. ઉપરાંત ટોચ પર PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાના દિવંગત નેતા આનંદ દિઘેની તસવીરો જોવા મળી રહી છે અને જાહેરાતના વચ્ચેના ભાગે શિંદે અને ફડણવીસની તસવીરો જોવા મળી રહી છે. નવી જાહેરાતમાં નીચેની બાજુએ શિવસેનાના 9 કેબિનેટ મંત્રીઓની તસવીરો પણ જોવા મળી રહી છે. જ્યારે ગઈકાલે પ્રકાશીત થયેલી જાહેરાતમાં માત્ર શિવસેનાનું ‘ધનુષ અને તીર’નું પ્રતિક અને શિંદે સામે PM મોદીની ખુશખુશાલ તસવીર જોવા મળી હતી.