ધમધમતાં મિત્રોન લોન્જને સીલ કરાયું.

મુંબઇ : થાણેના વાગ્લે એસ્ટેટ વિસ્તારમાં આવેલ મિત્રોન લાઉન્જ સોમવારે સવારે છ વાગ્યા સુધી ચાલતુ હોવાથી તેને સીલ કરી દેવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરવા પ્રકરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ક્રિકેટર પૃથ્વી શો પણ વહેલી સવાર સુધી આ લાઉન્જમાં હાજર હોવાનું જાણવા મળ્યું હતું.

એક સામાજિક કાર્યકરે કરેલ ટ્વિટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સંદર્ભે વધુ વિગતાનુસાર વહેલી સવારે છ વાગ્યા સુધી આ લાઉન્જ ચાલુ હતો અને નજીવા કારણસર અહીંના છ બાઉન્સરે અમૂક ગ્રાહકોની મારપીટ કરી હતી. ત્યારબાદ આ સામાજિક કાર્યકરે એવું ટ્વિટ કર્યું હતું કે ‘મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જે વિસ્તારમાં રહે છે ત્યાં સવારે છ વાગ્યા સુધી કામ કરવાની વિશેષ પરવાનગી આપવામાં આવી હોય તેવું લાગે છે. જ્યારે બીજા ઓર્કેસ્ટ્રા બાર, હુક્કા લાઉન્જ અને ફેમિલીબાર તો રાત્રે ૧.૩૦ વાગ્યે જ બંધ થઇ જાય છે’ તો શું આ લાઉન્જને વિશેષ પરવાનગી આપવામાં આવી છે? ખુલ્લેઆમ અને નિયમોનું ઉલ્લંઘન કરતા આવા લાઉન્જ સામે સ્ટેટ એક્સાઇઝ વિભાગ અને પોલીસ ઉચ્ચાધિકારીઓ કોઇ કાર્યવાહી કરશે કે?

આ ટ્વિટને પગલે ખળભળાટ મચી જતા પોલીસ હરકતંમાં આવી હતી અને મિત્રોન લાઉન્જના બે માલિકો સહિત અન્ય છ બાઉન્સરો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરી વહેલી સવાર સુધી લાઉન્ડ શરૃ રાખવાના આરોપસર સ્ટેટ એક્સાઇઝ વિભાગે પણ ગુનો નોંધી લાઉન્જને સીલ મારી દીધું હતું.