પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં સાફસફાઇના અભાવે ગંદકી અને કચરો અસહ્ય છે તેવા ફોટા સાથેની કેટલાક વેપારીઓએ રજુઆત કરી હતી ત્યારે પાલિકાના હેલ્થ ઓફીસરે જણાવ્યું હતું કે, સફાઇ થઇ ગયા બાદ આવી તસ્વીરો બતાવનારા વેપારીઓ હકીકતમાં કચરાપેટીમાં કચરો નાખવા માટે કયારે પાલિકાને સહકાર આપશે? અમે અમારી રીતે બનતા પ્રયત્નો કરીએ છીએ પરંતુ લોકોન પણ સહકાર એટલો જ જરૂરી છે.
પોરબંદરના વાણીયાવાડ સહિત ગાયવાડી વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં ગંદકી હોવાથી નગરપાલિકાનું તંત્ર સફાઇ કરાવતું નથી અને બેદરકાર છે તેવા આક્ષેપ સાથે કેટલાક વેપારીઓએ સોશ્યલ મીડીયામાં તસ્વીરો શેર કરી હતી જયારે હેલ્થ ઓફીસર જગદીશભાઇ ઢાંકીએ પુરાવા સાથે જણાવ્યું હતું કે, વેપારીઓએ જે તસ્વીરો શેર કરી છે એ બે દિવસ પહેલાની છે, સાફસફાઇ થઇ ગયા બાદ તેમણે આવું કર્યુ છે, એટલું જ નહીં પરંતુ અમે સફાઇ અભિયાન કરાવીને ગાયવાડીને ચોખ્ખી કરી નાખીએ છીએ પરંતુ ઘણા વેપારીઓ કચરાપેટીમાં કચરો નાખવાને બદલે જાહેરમાં ગંદકી કરે છે. એવું પણ જોવા મળ્યું છે કે, ઘણા વેપારીઓ જાણી જોઇને રાત્રીના સમયે આવો કચરો બહાર ફેંકી જાય છે જેથી લોકોએ પણ તંત્રને સહકાર આપવો જોઇએ. તેમણે ઉમેર્યુ હતું કે, કચરો કરનાર નગરપાલિકાનું તંત્ર નથી પરંતુ લોકો જ છે. આપણે ખરા અર્થમાં ગાંધીભુમિને સ્વચ્છ બનાવવી હશે તો ગાંધીજીની જન્મભુમિના વેપારીઓ-નાગરીકોએ પણ અમને સહકાર આપવો જ પડશે તેમ હેલ્થ ઓફીસરે ઉમેર્યુ હતું.