સાયલા, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી સહિત કટીંગ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે જિલ્લા પોલીસવડાની સુચનાથી લીંબડી ડીવાયએસપી સી.પી.મુંધવાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું.

જે દરમ્યાન બાતમીના આધારે વણકી ગામના પાટીયા પાસે સાયલા નેશનલ હાઈવે પર રતનપર ગામની સીમમાં આવેલ વાડીમાં ગેરકાયદેસર પાસ પરમીર વગરનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી તેને અન્ય સાગરીતો તથા વાહનો મારફતે કટીંગ થતું હોવાની હકીકતના આધારે રેઈડ કરી હતી. જેમાં વણકી પાટીયાથી ચોટીલા તરફ હાઈવે પર આવેલ એક વાડી રેઈડ કરી હતી જેમાં આરોપી બચુભાઈ રવજીભાઈ સાબરીયા રહે.સોનપરી તા.સાયલાવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી અન્ય સાગરીતો તથા વાહનો મારફતે કટીંગ કરી રહ્યો હતો. જેમાં આયશરની તલાસી લેતાં ઈંગ્લીશ દારૂની પેટી નંગ-૩૧૦ કિંમત રૂા.૧૩,૯૫,૦૦૦ તથા આયશર કિંમત રૂા.૫,૦૦,૦૦૦ તથા બે બોલેરો પીકઅપ ગાડીમાંથી પણ ઈંગ્લીશ દારૂની પેટી નંગ-૭૫ કિંમત રૂા.૩,૩૭,૫૦૦ તથા અન્ય બોલેરો ગાડી કિંમત રૂા.૩,૦૦,૦૦૦માંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ-૬૫ કિંમત રૂા.૨,૯૨,૫૦૦ તેમજ ટેમ્પો કિંમત રૂા.૪,૦૦,૦૦૦ માંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ-૧૨૦ કિંમત રૂા.૫,૪૦,૦૦૦ તથા બે બાઈક કિંમત રૂા.૩૦,૦૦૦ સહિત કુલ રૂા. ૪૦,૯૫,૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. ત્યારે રેઈડ દરમ્યાન આરોપી હાજર મળી આવ્યાં નહોતા આમ પોલીસે આ રેઈડ દરમ્યાન કુલ રૂા.૨૫,૬૫,૦૦૦ની કિંમતનો ઈંગ્લીશ દારૂ અને અલગ-અલગ વાહનો કિંમત રૂા.૧૫,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ અંગે પોલીસે મુખ્ય આરોપી બચુભાઈ રવજીભાઈ સાબરીયા તથા તમામ વાહનોના ચાલક સહિત સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આમ પોલીસે ઈંગ્લીશ દારૂનું કટીંગ કરતાં મુદ્દામાલ અને વાહનો ઝડપી પાડતાં અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

By admin