પોરબંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવાયો
પોરબંદરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘર આંગણાનો મીઠો કલરવ કરતી ચકલી બચાવવા બચાવવાના અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા કન્ઝર્વેશન સોસાયટી દ્વારા ચકલી દિનની ઉજવણી અંતર્ગત પક્ષીઘર, બર્ડ ફિડર, માટીના કુંડાનું સ્થાપન વગેરેનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ એન. પી સૈયદ તેમજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ આર ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાંદિપની આશ્રમ રોડ પર આવેલ નવી કોર્ટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમીઓને આવકારી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બર્ડ કન્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઇ રૂઘાણીએ ચકલીની સંખ્યા ઝડપથી ઘટી રહી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરી લોકોને ચકલી બચાવવાના અભિયાનમાં જોડાવા પણ જણાવ્યું હતું. આ તકે ચંદ્રિકાબેન તન્ના, જાણીતા કેળવણીકાર ડોક્ટર એ આર ભરડા, દિવ્યાબેન રુઘાણી, ચાંદનીબેન રાયઠઠ્ઠા વગેરે હાજર રહ્યા હતા.