હાલમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફી 2024માં શ્રેયસ અય્યર ઇન્ડિયા-D ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. અય્યર રેડ બોલ ટુર્નામેન્ટમાં કઈ ખાસ પ્રદર્શન નથી કરી રહ્યો. તેની ટીમને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અય્યરે 4 ઇનિંગ્સમાં માત્ર 104 રન જ કરી શક્યો હતો.15 સપ્ટેમ્બરે ઇન્ડીયા-A સામે તેણે 41 રન કરી ટીમ માટે પોતાનું યોગદાન આપ્યું હતું. જયારે પહેલી ઇનિંગમાં તે શૂન્ય પર આઉટ થઇ ગયો હતો. અય્યરના ખરાબ પ્રદર્શનને લઈને બીસીસીઆઈ તેનાથી નારાજ ચાલી રહી છે. નજીકના ભવિષ્યમાં અય્યરની ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં વાપસી થવી મુશ્કેલ છે. તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી.બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘હાલમાં ટેસ્ટ ટીમમાં શ્રેયસ માટે કોઈ સ્થાન નથી. તે કોની જગ્યા લેશે? દુલીપ ટ્રોફીમાં તેનું શોટ સિલેકશન ચિંતાનો વિષય રહ્યું છે. ખાસ કરીને 15 સપ્ટેમ્બરેના રોજ ઇન્ડીયા-A સામે  તે સારી રીતે સેટ હતો, અને પછી અચાનક તેણે એવો શોટ રમ્યો કે તે આઉટ થઇ ગયો હતો , જ્યારે તમે સપાટ પિચ પર બેટિંગ કરી રહ્યા હોવ ત્યારે તમારે તે તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ.’

અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે, ‘અય્યર ઘરેલું ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે તેની પસંદગી કરવાની સંભાવના ઓછી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી 5 મેચની ટેસ્ટ સીરિઝ યોજાશે’શ્રેયસને ઈરાની કપમાં સામેલ કરવાને લઈને બોર્ડના અધિકારીએ કહ્યું કે, ‘જો તેને બાંગ્લાદેશ સામેની T20 સીરિઝ માટે પસંદગી કરવામાં આવે છે, તો તેણે ઈરાની કપ માટે મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, અને પછી અન્ય T20 મેચ માટે પણ તેણે સામેલ કરી શકાય છે.’ ઈરાની કપની શરૂઆત 1 ઓક્ટોબરથી લખનૌમાં થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની T20 સીરિઝની શરૂઆત 6 ઓક્ટોમ્બરથી ગ્વાલિયરથી થશે.’અય્યરના ભવિષ્યને લઈને અધિકારીએ જણાવ્યું હતું કે, ‘જો અય્યર ઈરાની કપમાં સારું પ્રદર્શન ન કરી શકે તો પણ તેની પાસે રન બનાવવા માટે રણજી ટ્રોફી છે. તેણે વનડે વર્લ્ડકપ 2023માં સારી બેટિંગ કરી હતી. તે ઘાયલ થયો હતો. દુલીપ ટ્રોફીમાં હજુ પણ એક રાઉન્ડ બાકી છે. તે કદાચ સદી પણ ફટકારી શકે છે. તેણે ફરીથી ફોર્મમાં પાછા ફરવાની જરૂર છે. શોર્ટ બોલ સામેની તેની સમસ્યાઓને કારણે તે કદાચ ઓસ્ટ્રેલિયા સામે નહીં રમી શકે પરંતુ ઘરઆંગણે તેને અવગણી શકાય નહીં.’