નીટ પેપર લીકમાં વપરાયેલા સાત મોબાઇલ તળાવમાંથી મળી આવ્યા

  સ્થાનિક તરવૈયાઓએ મોબાઇલ શોધી સીબીઆઇને સોંપ્યા. બે આઇફોન સહિતના મોબાઇલ તોડીને બેગમાં પેક કરી તળાવમાં ફેંકી દેવાયા હતા.

નીટ-યુજી પેપર લીક મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇને વધુ એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. લીક પેપરને શેર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ સીબીઆઇએ શોધી કાઢ્યા છે. આશરે સાત મોબાઇલને આરોપીઓએ એક થેલીમાં પેક કરીને તળાવમાં ફેંકી દીધા હતા, ધનબાદમાંથી એક યુવકની ધરપકડ કરાઇ હતી, જેણે આપેલી માહિતીના આધારે તળાવમાંથી આ મોબાઇલ બહાર કઢાયા હતા.ધરપકડ કરાયેલા પવન કુમાર અને અન્ય એક યુવકની સાથે સીબીઆઇની ટીમ આ તળાવ સુધી પહોંચી હતી, બાદમાં તળાવમાં તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરાઇ હતી. જે દરમિયાન એક સાથે સાત મોબાઇલ મળી આવ્યા હતા. જોકે આરોપીઓએ તેને તળાવમાં ફેંક્યા તે પહેલા તમામ મોબાઇલને તોડી નાખ્યા હતા. 

જપ્ત કરાયેલા મોબાઇલમાં બે આઇફોનનો પણ સમાવેશ થાય છે. આ મોબાઇલ હાલ નાશ કરી દેવાયેલી સ્થિતિમાં છે, જોકે તેમ છતા તેના ડેટા કાઢવા માટે તેને ફોરેન્સિંક લેબમાં મોકલવામાં આવ્યા છે. આ મોબાઇલનો ઉપયોગ લીક પેપરને વોટ્સએપ વગેરેના માધ્યમથી અન્યો સુધી પહોંચાડવા માટે થયો હોવાની શંકા છે. જેથી મોબાઇલના ડેટાના આધારે વધુ માહિતી બહાર આવી શકે છે. સીબીઆઇની ટીમે તળાવમાં શોધખોળ માટે એનડીઆરએફની ટીમને બોલાવી હતી, જોકે ટીમને પહોંચવામાં મોડુ થતા સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઇ હતી, આ તરવૈયાઓએ તળાવમાંથી મોબાઇલ શોધી કાઢ્યા હતા, જેને પગલે સીબીઆઇએ તેમને પાંચ હજાર રૂપિયા વળતર પણ ચુકવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

preload imagepreload image