હાર્દિક અને ચહલ વચ્ચે આવ્યા અમ્પાયર્સ

ભારતમાં આ વર્ષે ઓકટોબર-નવેમ્બરમા ICC વનડે વર્લ્ડ કપ રમાનાર છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સિરીઝની શરુઆત કરી હતી. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ ટીમને ટેસ્ટ અને વનડે સિરીઝમાં હરાવ્યું હતું, જો કે T20ની પાંચ મેચોની સિરીઝની પ્રથમ મેચમાં જ ટીમની શરુઆત સારી રહી ન હતી અને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ હતી.

ભારતની ટીમે છેલ્લી ઓવરમાં ભૂલ કરી

ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ T20 મેચમાં ટાર્ગેટનો પીછો કરતા ભારતની ટીમે છેલ્લી ઓવરમાં મોટી ભૂલ કરી હતી. કુલદીપ યાદવ જ્યારે 20મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો ત્યારે ટીમને જીતવા માટે 5 બોલમાં 10 રનની જરૂર હતી અને બે વિકેટ બાકી હતી. બીજા છેડે અર્શદીપ સિંહ હતો. અર્શદીપ સિંહે 19મી ઓવરમાં ઓબેદ મેકકોયના ત્રીજા અને ચોથા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા.

રાહુલ દ્રવિડ-હાર્દિક પંડ્યાના આદેશથી યુઝવેન્દ્ર ચહલ દંગ રહી ગયો હતો

કુલદીપ યાદવના આઉટ થયા બાદ યુઝવેન્દ્ર ચહલ બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ કોચ રાહુલ દ્રવિડ અને સુકાની હાર્દિક પંડ્યાના આદેશથી તે ચોંકી ગયો હતો. રાહુલ દ્રવિડ અને હાર્દિક પંડ્યાને આશા હતી કે ચહલ નહીં પણ મુકેશ કુમાર 10 નંબર પર બેટિંગ કરશે. ડગઆઉટમાંથી ચહલ ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો જ્યારે મુકેશ કુમાર મેદાનમાં પ્રવેશ્યો હતો ત્યારે જ હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે અમ્પાયરની એન્ટ્રી થઈ હતી. અમ્પાયરોએ માત્ર યુઝવેન્દ્ર ચહલને જ બેટિંગ કરવાનું કહ્યું હતું.

ભારતને છેલ્લા બોલ પર જીતવા 6 રનની હતી જરૂર

ક્રિકેટના નિયમો અનુસાર વિકેટ પડી ગયા બાદ પીચ પર ઉતર્યા પછી બેટ્સમેનને બદલી શકાય નહીં. આ જ કારણે ચહલને ક્રિઝ પર પરત ફરવું પડ્યું હતું. આ પછી યુઝવેન્દ્ર ચહલે રોમારિયો શેફર્ડની બોલ પર સિંગલ સ્કોર કરીને અર્શદીપ સિંહને સ્ટ્રાઇક આપી હતી. આગલા બોલ પર અર્શદીપ સિંહે 2 રન લીધા હતા, પરંતુ ચોથા બોલ પર તેને ડોટ મળ્યો હતો. રોમારિયો શેફર્ડના પાંચમા બોલ પર શિમરોન હેટમાયરની મદદથી નિકોલસ પૂરને તેને રન આઉટ કર્યો હતો. હવે ટીમ ઈન્ડિયાને છેલ્લા બોલ પર જીતવા માટે 6 રનની જરૂર હતી પરંતુ મુકેશ કુમાર માત્ર એક રન જ બનાવી શક્તા વેસ્ટ ઈન્ડિઝે 4 રનથી મેચ જીતી લીધી હતી.