મંદિરા બેદીની બેગો મુંબઇ એરપોર્ટ પર રઝળી વેકેશનનો મૂડ બગડયો

પોતાના બે નાના સંતાનો સાથે સમર વેકેશન માણી મુંબઇ પરત આવેલી એભિનેત્રી મંદિરા બેદીને મુંબઇ એરપોર્ટના ટર્મિનલ ટુ પર તેના સામાનને પરત મેળવવામાં હાલાકી પડતાં તેણે સોશ્યલ મિડિયા પર પોતાની સ્ટોરી મુકી પોતાને પડેલી મુશ્કેલીનું બયાન કર્યું હતું.મંદિરા બેદીએ ઇન્સ્ટા પર તેની સ્ટોરી શેર કરતાં જણાવ્યું હતું કે બે અઠવાડિયા, ત્રણ દેશો અને છ એરપોર્ટ્સ પર ફર્યા બાદ હું મારા બાળકો સાથે મુંબઇ એરપોર્ટના ટર્મિનલ ટુ પર પહોંચી તે સાથે દુઃસ્વપ્નની શરૃઆત થઇ હતી.

મંદિરાએ જણાવ્યું હતું કે સ્ક્રિન પર એકપણ ફલાઇટના આગમનની જાહેરાત નહોતી. કન્વેયર બેલ્ટ પર પણ કોઇ માહિતી જણાવાઇ નહોતી. ચારેતરફ અંધાધૂંધી ફેલાયેલી હતી. બિચારા પ્રવાસીઓને ક્યાં જવું તેની પણ ખબર નહોતી. ત્રણ કન્વેયર બેલ્ટ પર ફાંફાં માર્યા બાદ એક કલાક સુધી પૂછાપૂછ કર્યા બાદ મને એક વેરાન કન્વેયર બેલ્ટ પર મારી એક બેગ પડેલી દેખાઇ. મારી બીજી સૂટકેસ બીજા એક બેલ્ટની નીચે ઉતારીને મુકાયેલી હતી. ઘરે પહોંચતાં આવું જબરદસ્ત સ્વાગત!

મંદિરા બેદીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી અવ્યવસ્થા કેવી રીતે ચાલી શકે તેવો સવાલ કર્યો હતો. મંદિરાએ અગાઉ તેના વેકેશનના ફોટા પર સોશ્યલ મિડિયા પર શેર કર્યા હતા. ૨૦૨૧માં મંદિરાના પતિ રાજ કૌશલનું અવસાન થયું હતું. ગયા મહિને જ તેના પતિની બીજી વરસીએ મંદિરાએ પતિને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

૨૦૨૦માં તેમને વીર નામનો પુત્ર થયો હતો એ પછી તેમણે તારા નામની છોકરીને દત્તક લીધી હતી. મંદિરા તારા અને વીર સાથે વિદેશ સમર વેકેશન માણવા ગઇ હતી.
પ્રિ બોર્ડિંગ સિક્યુરિટી માટે વધારે જગ્યા ફાળવાઇ
મુંબઇ એરપોર્ટના ટર્મિનલ ટુ પર સિક્યુરિટી ક્લિયરન્સ માટે લાગતી લાંબી લાઇનોને કારણે પરેશાન પ્રવાસીઓને રાહત થાય તેવા સમાચાર એ આવ્યા છે કે હાલ આ વિસ્તાર ૧૦૮૦ ચોરસ મીટરનો છે તેને વધારીને ૨૦૭૫ ચોરસમીટર કરવામાં આવ્યો છે. સીઆઇએસએફ સિક્યુરિટી ચેક અપ માટે દેશવિદેશના પ્રવાસીઓએ કોમન વિસ્તારમાં લાઇન લગાવવી પડે છે. માર્ચ મહિનામાં પ્રથમ તબક્કામાં પ્રવાસીઓની સુવિધાઓ વધારવાની શરૃઆત કરાઇ હતી. હવે આઠ સિક્યુરિટી લેન ઉમેરવામાં આવી છે. મુંબઇ એરપોર્ટ પર હાલ સિક્યુરિટી માટે કુલ ૫,૭૩૫ ચોરસ મીટર જગ્યા ફાળવવામાંં આવેલી છે. જેમાં ૩૨૮ ચોરસ મીટર જગ્યા ડોમેસ્ટિક ટ્રાન્સફર સિક્યુરિટી માટે ઉભી કરવામાં આવી છે તેમ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.ના પ્રવક્તાએ જણાવ્યું હતું