ચુના ભઠ્ઠીમાં ભૂસ્ખલનઃ બાઈક, કાર વિશાળ ખાડામાં ગરકાવ

વરસાદની શરૃઆત સાથે જ મકાન, બિલ્ડીંગ, ભેખડ ધસી પડવાની ઘટના વધી જાય છે. ત્યારે ચુનાભટ્ટીમાં આજે એક જમીન ધસી પડતા મોટો ખાડો પડી ગયો હતો. જેના લીધે ૧૦ બાઇક અને પાંચ કાર દબાઇ ગઇ હતી. સદ્ભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નહોતી.

ચુનાભટ્ટી (પૂર્વ) સ્થિત ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વસંતદાદા પાટીલ એન્જીનિયરિંગ કોલેજ નજીક રાહુલ નગરમાં આજે સવારે ૮.૫૮ વાગ્યે આ ઘટના બની હતી. એમ પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું.અહીં કન્સ્ટ્રક્શન કંપની દ્વારા હાઉસિંગ પ્રોજેક્ટ માટે પાઇલિંગનું કામ ચાલી રહ્યું હતું. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી માહિતી મુજબ બિલ્ડિંગના બાંધકામ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યાં આસપાસની જમીન ધસી પડતા અંદાજ પચ્ચીસ ફૂટ ઉંડો ખાડો પડી ગયો હતો. ે ૧૦ બાઇક અને પાંચ કાર ખાડામાં ગરકાવ થઈ ગયાં હતાં. એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ બનાવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એમાં સફેદ કાર જમીનમાં ધસી પડતા જોવા મળી હતી. અન્ય ઘણા બાઇક, કાર અગાઉથી જ ખાડાની અંદર પડી ગયા હોવાનું વીડિયો જોવા મળ્યા હતા.આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ, મહાનગર પાલિકાના કર્મચારી, પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે આ રસ્તાની આજુબાજુના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી, એમ ફાયરબ્રિગેડના અધિકારીએ કહ્યું હતું.

ગત અઠવાડિયે માગાથાણે મેટ્રો સ્ટેશન નજીક જમીન ધસી પડી હતી. આ મામલામાં પોલીસે કેસ દાખલ કર્યો હતો.