ઈદ-ઉલ-અઝહા : બકરી ઇદ પહેલા ઉલેમા-એ-હિંદે કરી ખાસ અપીલ

બકરીદ અથવા ઈદ-ઉલ-અઝહા, જેને કુરબાનીન તહેવાર કહેવામાં આવે છે, તે ગુરુવારે ઉજવવામાં આવશે. જેને લઇને મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદે એક અપીલ કરી છે. 

મળતી માહિતી પ્રમાણે મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદે મુસ્લિમોને ઇદ-ઉલ-અઝહા પર બલિદાન આપતી વખતે સરકારની માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવા વિનંતી કરી હતી. આ સાથે જ બલિદાન આપનારા પ્રાણીઓની તસવીરો સોશિયલ મીડિયા પર શેર ન કરવાની અપીલ કરી છે. 

બકરીદનો તહેવાર ચંદ્રના દર્શનના 10મા દિવસે ઉજવવામાં આવે છે અને ઈદ ઉલ જુહા અથવા અઝહા અથવા બકરીદ ઈદ ઉલ ફિત્રના બે મહિના અને નવ દિવસ પછી ઉજવવામાં આવે છે. ગયા સોમવારે ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બકરીદનો ચંદ્ર દેખાયો હતો. તે દિવસે મુસ્લિમ સંગઠનોએ 29મી જૂને બકરીદનો તહેવાર મનાવવાની જાહેરાત કરી હતી.

જમિયત ઉલેમા-એ-હિંદે અપીલ કરી

જમીયત ઉલેમા-એ-હિંદના વડા મૌલાના અરશદ મદનીએ એક નિવેદનમાં કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા મુસ્લિમો પ્રાણીઓની કુરબાની કરતી વખતે સાવચેતીનાં પગલાં લે તે જરૂરી છે. આ દિવસે જે પણ પ્રાણીઓને કુરબાની આપવામાં આવે છે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર ન કરવા વિનંતી કરી. મદનીએ મુસ્લિમોને કુરબાની (બલિદાન) કરતી વખતે સરકારી માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવા અને પ્રતિબંધિત પ્રાણીઓની બલિ ન આપવા વિનંતી કરી છે. 

બકરી ઇદ પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો

તેમણે વધુમાં કહ્યું કે, જ્યાં પણ કોઈ કાયદેસરના બલિદાનને રોકવાનો પ્રયાસ કરે છે ત્યાં પ્રશાસનને વિશ્વાસમાં લો. મદનીએ મુસ્લિમોને ઈદ-ઉલ-અઝહા નિમિત્તે સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, પશુઓનો કચરો રસ્તાઓ, શેરીઓ અને નાળાઓમાં ફેંકવો જોઈએ નહીં પરંતુ તેમાંથી કોઈ દુર્ગંધ ન આવે તે રીતે દાટી દેવા જોઇએ. લોકોને સાંપ્રદાયિક તત્વો દ્વારા કોઈ ઉશ્કેરણી કરવાના કિસ્સામાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પણ વિનંતી કરી હતી.

બકરી ઇદ

ઇસ્લામિક માન્યતા અનુસાર, પયગંબર ઇબ્રાહિમ આ દિવસે અલ્લાહના આદેશ પર અલ્લાહના માર્ગમાં તેમના પુત્ર ઇસ્માઇલની કુરબાની આપવા જઇ રહ્યા હતા, ત્યારે અલ્લાહે તેમના પુત્રને જીવન આપ્યું અને ત્યાં એક પ્રાણીની કુરબાની કરવામાં આવી જેની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે.