પાડોશી સાથે તકરાર થતાં હૂમલો કર્યો.

શહેરમાં ગુનો આચરીને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાંચ સક્રિય થઈ ગઈ છે. શહેરમાં સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ખૂનના ગુનામાં સંડોવાયેલા આરોપીને કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ તેને સરદારનગર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. 

આરોપી કાળુ વાઘેલાની પત્ની સાથે પાડોશમાં રહેતા ભરત પરમાર ટેલિફોનિક વાત કરતાં અગાઉ પકડાયા હતાં. જેના કારણે આરોપીના ઘરના સભ્યો તથા ફરિયાદી ભરત પરમારના ઘરના સભ્યો સાથે અગાઉ તકરાર થઈ હતી. જેમાં સમાજની પંચાયતમાં બંને પરિવારો વચ્ચે સમાધાન થયું હતું. ત્યાર બાદ ભરત પરમાર અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા હતાં. ત્યાર બાદ તેઓ તથા પરિવારના સભ્યો જૂના ઘરે આવ્યા હતાં. આ દરમિયાન આરોપી તથા તેના ઘરના સભ્યોએ ફરિયાદીને મકાન નહીં ખોલવા બાબતે ઝઘડો કર્યો હતો. 

ફરિયાદીએ ભરત પરમારના પરિવારના સભ્યો પર ગંદી ગાળો બોલીને લોખંડની પાઈપ, લાકડી, ચપ્પા વડે હૂમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યાર બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. ફરિયાદી ભરત પરમારના કાકાના દીકરા ગોપી પરમારને માથામાં વધારે ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલ હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી મુંબઈથી અમદાવાદ આવી રહ્યો છે. જેથી તેને કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને સરદારનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો.