જાહેરમાર્ગો પર પશુઓના અડીંગાથી નગરજનો પરેશાન

પોરબંદરમાં રઝળતા ઢોરને કારણે વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રઝળતા આખલાનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં, મુખ્ય માર્ગો પર આખલાઓ અડિંગો જમાવી બેઠા નજરે ચડે છે અને અવાર નવાર આખલા યુદ્ધે ચડતા હોઈ છે. શહેરની મુખ્ય બજારમાં પણ રઝળતા આખલાઓને કારણે વેપારી તથા ગ્રાહકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. આખલા યુદ્ધને કારણે અનેક વાહનોને નુકશાન થયું છે

તો બીજી તરફ આખલાને કારણે અનેક લોકોને ઇજાઓ પહોંચી છે. તેમજ હાઇવે પર આખલાને કારણે અકસ્માત સર્જાતા કેટલાક વ્યક્તિઓને ગંભીર ઇંજા પહોંચતા મોત પણ થયાના બનાવ બન્યા છે. આ સમસ્યા નિવારવા જિલ્લા કલેકટરે રખડતા ઢોર પકડવા જિલ્લાની પાલિકા તંત્રને કામગીરી કરવા માટે જાહેરનામું પણ બહાર પડ્યું હતું. પરંતુ કલેકટરના આદેશનું ઉલ્લંઘન કર્યુ હોય તેમ આખલાનો ત્રાસ યથાવત રહ્યો છે.

શહેરમાં રઝળતા આખલાને લીધે વાહનચાલકો અને રાહદારીઓ તેમજ ગલીઓમાં સિનિયર સિટીઝનને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. દરરોજ રઝળતા આખલાના કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે અને પાલિકા કચેરી ખાતે આ અંગે ફરિયાદો પણ આવે છે ત્યારે આ રઝળતા આખલા કોઈ નિર્દોષનો ભોગ લે તે પહેલા આખલા પકડવા પાલિકા તંત્ર કમર કસે અને આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે.

source : Arvind vala