પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ પંથકના દરિયા કિનારા વિસ્તારમાં બેફામ રીતે રેતી ચોરી થઈ રહી હોવાની રજૂઆત કરાઈ છે. ચૂંટણીની કામગીરી સમય દરમિયાન માધવપુર દરિયા કાંઠા વિસ્તારમાં બેફામ રીતે રેતી ચોરી થઈ રહી હતી. ખાસ કરીને દરિયા કિનારા વિસ્તારમાં પથ્થરની ખાણોમાં પણ ખનીજ ચોરી થઇ રહી હોવાના અનેક વખત બનાવો સામે આવ્યા છે. અને ખનીજ વિભાગ દ્વારા પણ કડક કાર્યવાહી કરી માતબર રકમનો દંડ કરવામાં આવ્યો છે ત્યારે વધુ એક વખત ભૂમાફિયાઓ સક્રિય થયા હોવાના પગલે જવાબદાર તંત્ર દ્વારા આંખ લાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર જીલ્લો ખનીજ ચોરીમાં ભ્રષ્ટાચાર કરવામાં મોખરે છે ત્યારે તંત્રની કાર્યવાહી એ લીપાપોથી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, દરિયા કિનારા વિસ્તારમાં બેફામ રીતે રેતી ચોરી થઈ રહી હોવાથી સત્વરે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું હોવા અંગે અગ્રણીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી.