ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇ : ભાગબટાઈ

વર્ષોથી ભાર્ગવ જોશી અને આમ આદમી પક્ષ/ઔવૈશીએ ગુજરાતમાં આવીને કોંગ્રેસ અને ભાજપને બે જોડકા ભાઈ ગણાવ્યા, તેમની વાતને સમર્થન આપે એવી સેંકડો ઘટનાઓ બની ચૂકી છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાઈ-ભાઈ બની જાય છે.

ગુજરાતના રાજકારણમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પક્ષોનું યુદ્ધ હોય છે. પરંતુ જિલ્લા, તાલુકા કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વ્યક્તિઓ વચ્ચે યુદ્ધ થાય છે. 2021ની ચૂંટણીમાં પક્ષોના ઉમેદવારો વચ્ચે ભાઇ-ભાઇ જેવું જોવા મળી રહ્યું છે.

જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જેમણે પણ પ્રમુખપદ મેળવ્યા હતા તેઓએ ક્યાં તો કોંગ્રેસના સભ્યોને ટેકો લીધો છે, અથવા તો ભાજપનો ટેકો મેળવ્યો છે. 2021માં ચૂંટણી પહેલાં બન્ને ઉમેદવારો વચ્ચે ગાઢ સબંધ છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરથી શરૂ થયેલો આ ટ્રેન્ડ આખા ગુજરાતમાં પ્રસરી ચૂક્યો છે. ગાંધીનગરમાં જિલ્લા પંચાયતમાં બહુમતિ કોંગ્રેસની હોવા છતાં ભાજપના પ્રમુખ જોવા મળ્યા હતા. તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતિ સભ્યો છતાં કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં તો છેલ્લી બે ટર્મથી કોંગ્રેસની બોડીમાં મેયર ભાજપના રહ્યાં છે.

ગાંધીનગર નાગરિક કોઓપરેટીવ બેન્કમાં પણ આવી હાલત છે. ભાજપ અને કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા સભ્યો જ્યારે બેન્કની બોડીમાં નિયુક્ત થાય છે ત્યારે ભાઇ-ભાઇની સ્થિતિ જોવા મળે છે. બેન્કના બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસની બરોબરની ભાગીદારી જોવા મળે છે. હવે આવું રાજ્યના જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોની નવી બોડીમાં જોવા મળી રહ્યું છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મનમેળ હોય તે બાબત સ્થાનિક રાજકારણમાં નવાઇ પમાડે તેવી નથી. ઝઘડા માત્ર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં થાય છે. સ્થાનિક કક્ષાએ તો રાજકીય નેતાઓ આવ ભાઇ હરખા, આપણે બેઉ સરખાં…ની નિતી પ્રમાણે રાજકારણ ચાલે છે.

આમ પણ ઘણીવાર રાજકીય વિશ્લેષકો કહે છે કે હવે ભાજપનું કોંગ્રેસીકરણ થઇ રહ્યું છે અને કોંગ્રેસ હિન્દુવાદ તરફ જઇ રહી છે. એટલે બન્ને એક રીતે એકબીજાની નજીક આવી રહ્યા છે. આ વાત વિચારધારાની છે.