રાજકોટ : AAP અને કોંગ્રેસના ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ થઈ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને ભારે ફટકો લાગ્યો

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રસાકસીનો જંગ જામ્યો હતો અને આ જંગ દરમિયાન કોંગ્રેસની કારમી હાર થઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા અહીં એક પણ સીટ પર વિજય મેળવ્યો નથી પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના કારણે કોંગ્રેસને ભારે ફટકો લાગ્યો છે અને કેટલાક ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ થઇ હોવાનું પણ સામે આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકોમાં શહેરીજનોએ ભાજપ તરફી આપેલા પ્રચંડ જનાદેશમાં કોંગ્રેસને ગત ચૂંટણીની સરખામણીએ ૩૦ બેઠકોની નુકશાની થવા પામી છે. માત્ર એક વોર્ડમાં ચાર ઉમેદવારો જીતતા કોંગ્રેસનું નાક બચી ગયું છે. બીજી નોંધપાત્ર બાબત એ રહી કે કોંગ્રેસના કુલ ૭૦ ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણી લડી રહ્યાં હતા જે પૈકી ૩૭ ઉમેદવારો પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યા નથી તો આ આદમી પાર્ટીના ૭૨ પૈકી ૭૮ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થવા પામી છે. શહેરના ૧૮ વોર્ડમાંથી ચૂંટણી લડી રહેલા ૨૯૩ ઉમેદવારો પૈકી ૧૮૫ ઉમેદવારોની ડિપોઝીટ પ્રચંડ જનાદેશમાં તણાઈ જવા પામી છે. ચૂંટણીપંચના નિયમ મુજબ કુલ મતદાનના ૧૦ ટકા મત પ્રાપ્ત ન કરનાર ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થાય છે. જેમાં શહેરના ૧૮ વોર્ડમાંથી ચૂંટણી લડતા ૨૯૩ ઉમેદવારો પૈકી ૧૮૫ ઉમેદવારોની ડિપોઝીટ પ્રચંડ જનાદેશમાં ડુલ થઈ છે. વોર્ડ નં.૧માં કોંગ્રેસના ત્રણ ઉમેદવાર આપના ચાર અને અન્ય પક્ષના ૧૦ ઉમેદવાર સહિત કુલ ૧૭ ઉમેદવારની, વોર્ડ નં.૨માં કોંગ્રેસના ૩, આપના ૪ સહિત ૭ ઉમેદવાર, વોર્ડ નં.૩માં કોંગ્રેસના ૪, આપના ૪ અને અન્ય પાર્ટીના ૩ સહિત કુલ ૧૧ ઉમેદવાર, વોર્ડ નં.૪માં કોંગ્રેસના ૩, આપનો ૧ અને અન્ય ૭ સહિત કુલ ૧૧ ઉમેદવાર, વોર્ડ નં.૫માં કોંગ્રેસના ૨, આપના ૪ અને અન્ય ૨ સહિત કુલ ૮ ઉમેદવાર, વોર્ડ નં.૬માં આપના ૪ અને અન્ય ૨ સહિત કુલ ૭ ઉમેદવાર, વોર્ડ નં.૭માં કોંગ્રેસનો ૧, આપના ૪ અને અન્ય ૨ સહિત કુલ ૭ ઉમેદવાર, વોર્ડ નં.૮માં કોંગ્રેસના ૪, આપના ૪ અને અન્ય ૭ સહિત કુલ ૧૫ ઉમેદવાર, વોર્ડ નં.૯માં કોંગ્રેસના ૪, આપના ૪ અને અન્ય ૪ સહિત કુલ ૧૨ ઉમેદવાર, વોર્ડ નં.૧૦માં કોંગ્રેસના ૨, આપના ૪ અને અન્ય પાર્ટીના ૨ સહિત કુલ ૮ ઉમેદવાર, વોર્ડ નં.૧૧માં કોંગ્રેસના ૩, આપના ૪ અને અન્ય ૫ સહિત કુલ ૧૧ ઉમેદવાર, વોર્ડ નં.૧૨માં કોંગ્રેસના ૧, આપના ૪ અને અન્ય પાર્ટીના ૩ સહિત કુલ ૮ ઉમેદવાર, વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના ૨, આપના ૪ અને અન્ય ૯ સહિત કુલ ૧૫ ઉમેદવાર, વોર્ડ નં.૧૪માં કોંગ્રેસના ૩, આપના ૪ અને અન્ય પાર્ટીના ૩ સહિત કુલ ૧૦ ઉમેદવાર, વોર્ડ નં.૧૫માં આપના ૪, અન્યના ૭ સહિત કુલ ૧૧ ઉમેદવાર, વોર્ડ નં.૧૬માં આપના ૪, અન્ય ૩ સહિત ૭ ઉમેદવાર, વોર્ડ નં.૧૭માં કોંગ્રેસના ૨, આપના ૪ અને અન્ય ૪ સહિત કુલ ૧૦ ઉમેદવાર, વોર્ડ નં.૧૮માં આપના ૪ અને અન્યના ૭ સહિત કુલ ૧૧ ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી છે. શહેરના ૧૮ વોર્ડમાં કોંગ્રેસ માત્ર ચાર વોર્ડમાં જ પોતાના ઉમેદવારની ડિપોઝીટ બચાવી શકી છે. જ્યારે અન્ય ત્રણ વોર્ડમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારો ડિપોઝીટ ગુમાવી છે. પ્રદેશ કોંગ્રેસમાં મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા જેવા ધુરંધર નેતા પણ પ્રચંડ જનાદેશમાં પોતાની ડિપોઝીટ બચાવવામાં નિષ્ફળ રહ્યાં છે.