ઓછા મતદાને રાજકીય પક્ષોની ઊંઘ ઉડાડી: કોણ ફાવશે અને કોનો ખેલ બગડશે?

wahid
Report : A wahid

નેતાઓ છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં નિરસ મતદાનના કારણો શોધવામાં લાગી ગયા: ઓછા મતદાનની અસર નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ પડવાની આશંકા

રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર, જામનગર અને વડોદરા નગરપાલિકાની કાલે યોજાયેલી ચુંટણીમાં મતદાન એકદંરે શાંતિપૂર્ણ રહ્યું હતું અને ક્યાંક કોઈ મોટી બબાલ કે એવી કોઈ મોટી ફરિયાદ થઈ નથી. ઈવીએમ બગડ્યું હોવા જેવી નાની-મોટી ફરિયાદો ઊઠી હતી, જે સ્થાનિક સ્તરે જ સુધારી લેવાઈ હતી. જોકે, આ વખતે  મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અદુદ્દીન ઓવૈસીની પાર્ટી  પણ મેદાનમાં ઉતરી હતી, એટલે ચૂંટણી જંગ ભારે રસપ્રદ બન્યો હતો, તેમ છતાં મતદાન નિરસ રહ્યું હતું. જેના કારણે રાજકીય પક્ષોમાં ચિંતા વધી ગઈ છે. ઓછા મતદાનનો કોને ફાયદો થશે અને કોનો ખેલ બગડશે તે અંગે હવે તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. જોકે, ભાજપ-કોંગ્રેસ બંનેએ ઓછા મતદાનથી તેમને ફાયદો થવાનો દાવો કર્યો છે.

મતદાનના જે આંકડા સામે આવ્યા છે તે મુજબ, સાંજે 6 વાગ્યા સુધી છ મનપામાં સરેરાશ 48 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ જામનગરમાં 53.64 ટકા અને સૌથી ઓછું અમદાવાદમાં 42.53 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 50.75 ટકા, ભાવનગરમાં 49.47 ટકા, બરોડામાં 47.99 ટકા અને સુરતમાં 45.09 ટકા મતદાન નોંધાયું છે.

આ સ્થિતિમાં આ નિરસ મતદાને ઘણા સવાલો ઊભા કયર્િ છે. સૌથી મોટો સવાલ તો એ છે કે, ઓછા મતદાનથી કોણ ફાવશે અને કોનો ખેલ બગડશે? ભાજપ્ને એન્ટી ઇન્કમ્બન્સી નડવાનો ડર હશે, તો કોંગ્રેસને આંતરિક ડખા ખેલ બગાડશે તેનો ડર. આપ અને ઓવેસીની પાર્ટીને ચમત્કારની આશા હશે, પણ ગુજરાતનો ઈતિહાસ જોતા એ શક્યતા ધૂંધળી દેખાઈ રહી છે. પરંતુ, ઓછું મતદાન થવાથી બધા પક્ષોની ચિંતા વધી ગઈ છે એ વાત ચોક્કસ છે.

વળી, ચિંતા વધવાનું બીજું મોટું કારણ એ છે કે, આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોની ચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે મહાનગરપાલિકાની જેમ ત્યાં પણ નિરસ મતદાન થયું તો ઘણા બધાના ખેલ ઊંધા પડી શકે છે. શહેરોમાં અને ગામડાંઓમાં મતદારોની માનસિકતા ઘણી અલગ હોય છે, ત્યારે મનપાની ચૂંટણી જેવું આ ચૂંટણીમાં પણ ન થાય તેના માટે રાજકીય પક્ષોએ અત્યારથી જ કવાયત હાથ ધરી દેવી પડશે તે વાતમાં કોઈ બેમત નથી.

મહાનગરપાલિકામાં નાગરિકોની મતદાન કરવામાં ઉદાસીન રહેવાનું એક કારણ એ પણ જણાવાઈ રહ્યું છે, જે રીતે તહેવારો સમયે કોરોનાનો ભય બતાવી પ્રતિબંધો મૂકી લેવામાં આવ્યા અને રાજકીય પક્ષોને સભા-રેલીઓ કરવાની છૂટ આપવામાં આવી તેનાથી પણ લોકોમાં નારાજગી હતી અને તેના કારણે લોકોએ મતદાન કરવાથી અળગા રહેવાનું પસંદ કર્યું. આ સિવાય ફરજિયાત માસ્ક અને માસ્ક ન પહેરો તો 1000 રૂપિયા દંડ સહિતના નિયમો પણ નારાજગીનું કારણ બન્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. ખાસ કરીને લોકોને એ વાતની નારાજગી હોવાનું કહેવાઈ રહ્યું છે કે, નિયમોના નામે જનતાને દંડ કરવામાં આવી રહ્યો છે અને રાજકીય પક્ષોના નેતાઓ તેમજ કાર્યકરોને નિયમોના ભંગ બદલ દંડ કરવાને બદલે તેમની આગતા-સ્વાગતા કરવામાં આવી રહી છે. આમ, આ બધી બાબતોની પણ મહાનગરપાલિકાના મતદાનમાં અસર જોવા મળી હોવાનું કહેવાઈ રહ્યું છે.

કોરોનાના નામે સરકારે જનતા પર ઢગલાબંધ પ્રતિબંધો મૂકી દીધા હતા. જેમકે, લગ્નોમાં 100 લોકોને જ મંજૂરી આપવામાં આવતી હતી. ત્યારે બીજી તરફ નેતાઓની સભાઓ અને રેલીઓમાં હજારો લોકોની હાજરી સામે આંખ આડા કાન કરવામાં આવતા હતા. આ બધી બાબતો પણ ઓછું મતદાન થવા માટે જવાબદાર રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ ઉપરાંત ચૂંટણી પહેલા પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસના સિલિન્ડરના ભાવ વધવાથી પણ જનતા નારાજ હતી અને તેની અસર આ મતદાન પર પડી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે અને નેતાઓ અને રાજકીય પક્ષોના કાર્યકરો ચૂંટણી પ્રચારમાં ધૂમ રૂપિયા ઉડાડી રહ્યા હતા એ વાત પણ લોકોની નારાજગીનું કારણ બની હોવાનું કહેવાય છે