હોમગાર્ડઝ કચેરીમાં મતદાનમાં ગેરરીતીનો કોંગ્રેસનો આક્ષેપ : ધારાસભ્ય, શહેર કોંગી પ્રમુખ અને અન્ય કાર્યકરો કલેકટર કચેરીએ દોડી ગયા : ફરીથી મતદાન કરાવવા નિર્ણય : અધિકારીઓ સામે થશે તપાસ : ચુંટણી પંચને જાણ કરાઇ

જામનગર મહાપાલીકાની ચુંટણીને ઘ્યાનમાં લઇને ફરજ બજાવતા હોમગાર્ડઝ, એસઆરપી અને અન્ય કર્મચારીઓ માટે ગઇકાલે લાલબંગલા ખાતે આવેલ હોમગાર્ડઝની શહેર યુનિટની કચેરીએ સવારથી સાંજ સુધી પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગેરરીતી થાય છે તેવો આક્ષેપ કરીને કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવીને જીલ્લા કલેકટરને ફરીયાદ કરતા કલેકટરે આ અંગે તાત્કાલીક તપાસ કરીને 400 મત રદ કરવા આદેશ આપ્યો છે અને આ અંગે ચુંટણી પંચને પણ જાણ કરી દેવામાં આવી છે, આ કેમ બન્યું તે અંગે જવાબદાર આર.ઓ., હોમગાર્ડઝ અધિકારી અને અન્ય સામે કડક પગલા લેવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

બુધવારે પોસ્ટલ બેલેટનું વિતરણ કરવાનું હતું પરંતુ આશ્ર્ચર્ય રીતે પોસ્ટલ બેલેટ વિતરણ કરવાની કામગીરીમાં શંકા જતા ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા, અલ્તાફ ખફી, અસલમ ખીલજી સહિતના આગેવાનોએ કલેકટરને જાણ કરી હતી, એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન મથક ઉભુ કરાયુ હતું, ત્યારબાદ જુની કલેકટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટ મતદાન મથક ઉભુ કરાયુ હતું, તેમાં 532 જેટલા બેલેટ અપાયા હતા, મોડી રાત્રે ફરીથી કલેકટર કચેરીએ કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા અને કલેકટરે જે જવાબદાર હશે તેની સામે કડક પગલા લેવામાં આવશે અને 400 જેટલા મત રદ કરી દેવામાં આવ્યા છે તેમજ નવેસરથી મતદાન થશે તેમ જણાવતા મામલો થાળે પડયો હતો.

By admin