ચુંટણી પ્રચારમાં ભાજપ-કોંગ્રેસ માટે ડબલીયા નેતાઓ માથાનો દુઃખાવો

સુરત મહાનગરપાલિકાની ચુંટણીનો પ્રચાર આક્રમક થઈ રહ્યો છે ત્યારે રાજકીય પક્ષોને ડબલીયા નેતાઓ માથાનો દુઃખાવો બની રહ્યાં છે.  ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષમાં ચુંટણી પ્રચાર સાથે જ પક્ષ વિરોધી પ્રવૃત્ત થઈ રહી હોવાની ફરિયાદ બહાર આવી રહી છે.  ટિકિટ જાહેર થયાંથી મતદાન સુધી કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ સહજ છે. પરંતુ શિસ્તબધ્ધ ગણાતીે ભાજપમાં પણ છેલ્લા ઘણાં વખતથી નારાજ કાર્યકર-નેતાઓ  પ્રચારમાં અડચણ કે વિરોધી પ્રચાર કરી રહ્યાં હોવાની ચોંકાવનારી ફરિયાદ થઈ રહી છે.

સુરત મહાનગરપાલિકાની ૨૦૧૫ની ચુંટણીમાં પાટીદાર ઈફેક્ટ હોવા છતાં કરંજ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપની તમામ પેનલ જીતી હતી. પરંતુ આ વખતે ભાજપે ટિકિટ ફાળવણીમા નવા જ ઉમેદવારોને ટિકિટ આપતાં જેની ટિકિટ કપાઈ છે તેવા કેટલાક કોર્પોરેટરો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યાં છે.  વારંવાર વિવાદમાં રહેતાં માજી કોર્પોરેટરે તો કોઈ પણ પક્ષને મત આપો પણ ભાજપને આપતાં નહીં તેવો પ્રચાર કરતા હોવાની ફરિયાદથી નેતાગીરી ચોંકી ઉઠી છે.  આ અંગે પુછતાં સોગંદ ખાઈને ભાજપ વિરોધી પ્રચાર નથી કરતાં તેવી વાત કરે છે પરંતુ સાંજે પ્રચાર બાદ ફરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં હોવાની ફરિયાદ થઈ રહી છે.

આ ઉપરાંત ભાજપ માટે સૌથી સલામત ગણાતા પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં પણ નારાજ નેતા- કાર્યકરો ઉમેદવારોને મથાવી રહ્યાં છે. પોતે કામ કરતાં હોવાનો શો કરીને કેટલાક નેતાઓ કે નેતાઓના નજીકના કાર્યકરો વિવાદ ઉભો કરી રહ્યાં છે. રાંદેર વિસ્તારમાં તો ભાજપના એક નેતાના નજીક ગણાતો એક કાર્યકર ભાજપના ઉમેદવારનો પ્રચાર કરે છે તો બીજા દિવસે કોંગ્રેસના ઉમેદવારને લઈને ઉગત રોડની કેટલીક સોસાયટીમા પ્રચાર કરતો હોવાની ફરિયાદ બહાર આવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર-5માં પણ ભાજપના કેટલાક ઉમેદવારો પેનલ નહી ચલાવતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે.

આમ ચુંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે ત્યારે ડબલ બાજુ કામગીરી કરતાં રાજકીય પક્ષના કાર્યકરો પક્ષ માટે માથાનો દુઃખાવો બની રહ્યાં છે. કેટલાક  કાર્યકર-નેતાઓ  ચુટણી ટાણે બૈ પૈસા કમાવવા તો કેટલાક પોતાને થયેલા અન્યાય કે અન્ય રાજકીય હિસાબ ચુકતે કરવા માટે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચાલી રહી છે હાલમાં તો પક્ષ શિક્ષાત્મક પગલાં ભરશે તેવી ચીમકી આપે છે પરંતુ  પગલા ભરે તે પહેલા પક્ષને નુકસાન થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.