રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પતિ-પત્ની, પિતા-પુત્ર, કાકા-ભત્રીજા રેસમાં જોવા મળ્યાં છે. પરંતુ એક જ પરિવારની બે મહિલા અલગ અલગ પક્ષ માટે પ્રચાર કરે એવું માત્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ભાજપમાંથી પ્રચાર કરે છે તો બહેન નયનાબા જાડેજા સામાન્ય લોકો વચ્ચે શેરી-ગલીઓમાં કોંગ્રેસની પ્રશંસા કરી રહી છે.

નયનાબા જામનગર અને રિવાબા રાજકોટમાં પ્રચારમાં વ્યસ્ત છે. અલગ અલગ પક્ષ માટે પ્રચાર કરવા અંગે જાડેજાનાં બહેન નયનાબાનું કહેવું છે કે અમે નણંદ ભાભી ઘરમાં હોઇએ ત્યારે રાજકારણને દૂર રાખીએ છીએ. કારણ કે રાજકરણ અને પરિવાર પોત-પોતાની જગ્યાએ છે. તેમણે કહ્યું કે જામનગર તેમનું વતન હોવાથી ત્યાં પ્રચાર કરવાનું પસંદ કર્યું છે. જરૂર પડશે તો હું રાજકોટમાં પણ પ્રચાર કરીશ.

જોકે, જાડેજાનાં પત્ની રિવાબાએ આ મામલે સંબંધોની વાત પર મૌન સેવ્યું છે તેમનું કહેવું કે ભાજપની વિચારધારા સાથે છું તેથી તેનો પ્રચાર કરું છું. જો કે રાજકોટ અત્યાર સુધી કોંગ્રેસનું ગઢ મનાય છે. ત્યાં વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલા સામે ભાજપના નરેન્દ્ર સિંહ જાડેજા મેદાનમાં છે. જેમની પ્રચાર સભામાં રિવાબાએ મુખ્યમંત્રી વિજય રુપાણીનાં પત્ની અંજલિબેન સાથે મંચ શેર કર્યું હતું.

રિવાબાએ વોર્ડ નંબર 3ના ઉમેદવાર નરેન્દ્ર સિંહ જાડેજાને ભાઇ ગણાવી જણાવ્યું હતું કે આ પ્રચાર નથી. પરંતુ અમારી ભાઇ-બહેન તરીકેની લાગણી છે. આથી હું મારા ભાઇના સમર્થનમાં આવી છું. તેમણે હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું ત્યારે મતદારોને મારી એટલી અપીલ છે કે વોર્ડ નં.3ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા અને બીજા ત્રણ સભ્યને પણ મત આપી ભાજપને વિજયી બનાવીએ.

By admin