ભગવાન રામનું અવતરણ અનેકોનાં ઉદ્ધાર માટે થયું : પૂજ્ય ભાઈશ્રી

રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યા નિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૧

ભગવાન શ્રીરામચંદ્રજીનું ભારતની ધરાધામ પર અવતરણ અનેકોના ઉદ્ધાર માટે થયું હતું. માટે જ આપણે કહેવું જોઈએ કે ભગવાન રામે રાવણને માર્યો નથી, પરંતુ તાર્યો છે. એ જ રીતે માત્ર મારીને તારવાની જ વાત નહીં, પરંતુ સત્પાત્રોની સારી વાતો પણ જગત સમક્ષ ઉજાગર કરવાનું કરવાનું કાર્ય ભગવાન શ્રીરામચંદ્રજીએ કર્યું છે, જેમ કે ભરતના ગુપ્તપ્રેમને ઉજાગર કર્યો છે, એમ રાષ્ટ્રીય સંત પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ રામકથાનાં ચોથા દિવસે, મંગળવારે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૧, તા. ૧૩/૦૨/૨૦૨૧ થી ૨૧/૦૨/૨૦૨૧ દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાશે.

આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાઈ રહ્યો છે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાટોત્સવ-દર્શનમાં જોડાયા છે. કથાના મુખ્ય મનોરથી શ્રીમતી જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે.અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુ.કે. છે. આજના દૈનિક યજમાન ખંજનબેન, પ્રતિકભાઈ અને પ્રણય શર્મા, યુ.કે., પુષ્પાબેન, પોપટભાઈ, શીલાબેન અને રાજેશભાઈ સામાણી, યુ.કે અને ચાંદનીબેન તથા અંજનાબેન પિંડોરીયા, યુ. કે. રહયા હતા અને શિખર ધ્વજા યજમાન પાર્થ આચાર્ય, ધારા આચાર્ય, શિવાની આચાર્ય તથા કાજલ આચાર્ય યુ.કે. રહ્યા હતા.  આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલિકાસ્ટ sandpani.tv, સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી 3:30 થી થશે.

પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ કહે છે કે આપ્તવાક્ય પ્રમાણમ્ – અર્થાત્ જેમ સંતાનો માટે માતા-પિતાની આજ્ઞા સર્વોપરી હોય છે, તેમ શિષ્યો માટે ગુરુની આજ્ઞાનું મહત્ત્વ પણ એટલું જ હોય છે. એટલે કે ગુરુની આજ્ઞા થાય પછી તેમાં શિષ્ય તર્ક કે દલીલ કરતો નથી. ગુરુએ સોંપેલું કાર્ય કરવાનું હોય છે. જેમ કલાકારોએ પણ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર કહે એ જ રીતે પોતાનો ભાગ ભજવવાનો હોય છે.

ગોવર્ધન પૂજા એવાં અન્નકૂટ દર્શન  : શ્રીહરિ મંદિરના ૧૫માં પાટોત્સવમાં આજે વસંતપંચમીના પવન દિવસે શ્રીહરિ મંદિરની બગીચીમાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા આજે ગોવર્ધન ગિરિરાજ શ્રીનાથજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવી હતી. ગોવર્ધન પૂજાના બંને મનોરથી શ્રી દર્શનાબેન દિનેશભાઇ કાપડિયા, અમેરિકા અને શ્રી રેખાબેન અને  કિશનભાઈ પટેલ, અમેરિકા zoom ના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા અને ગોવર્ધન ગિરિરાજના દર્શન કર્યા હતા. પૂજ્ય ભાઇશ્રીએ આશીર્વચન પાઠવ્યા હતા.

પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ શ્રીહરિ મંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિત સર્વે વિગ્રહોને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો અને મધ્યાહ્નમાં પૂજ્ય ભાઇશ્રીના કરકમલો દ્વારા શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનની અન્નકૂટ આરતી ઉતારવામાં આવી હતી અને સંકીર્તન કરવામાં આવ્યું હતું. કોવિડ-૧૯ મર્યાદાઓનું પાલન કરીને  ભાવિકોએ અન્નકૂટના દર્શન કર્યા હતા.

               પૂજ્ય ભાઈશ્રી

પુસ્તક વિમોચન  : શ્રીહરિ મંદિરના ૧૫માં પાટોત્સવ અંતર્ગત આજે વસંત પંચમી સરસ્વતી પૂજનના પાવન દિવસે પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત દિવ્ય શ્રીરામ કથાના ચોથા દિવસના કથાના પ્રારંભે સત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ત્રણ પુસ્તકોનું પૂજ્ય ભાઇશ્રીના વરદ હસ્તે વિમોચન થયું હતું.

આ ત્રણ પુસ્તકોમાં પહેલું  “પરમાત્માની પ્રતીક્ષા”  જેના મનોરથની સેવા  સાંદીપનિના પ્રાચ્ય ઋષિ એવં સાંદીપનિ સ્થિત બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના વર્તમાન પ્રધાનાચાર્ય બિપિનભાઈ જોશી તથા સુમિત્રાબેન જોશી એ આપી છે. બીજુ પુસ્તક “પાઠશાળાનું પંચામૃત” જેના મનોરથની સેવા શ્રીમતી દેવીબેન અરજનભાઈ કાનગડ પરિવાર- કચ્છ એ આપી છે અને ત્રીજું પુસ્તક “જીવન એક કુરુક્ષેત્ર” જેના મનોરથની સેવા શ્રીમતી ઉષાબેન રમેશભાઈ જનાણી, મુંબઈ એ આપી છે.

                           મુખ્ય મનોરથી શ્રીમતી જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે.અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુ.કે.