- માત્ર રાષ્ટ્રીય નેતાઓના જ ફોટો મુકાશે !!
- સરકારના વલણથી એસ.સી./એસ.ટી. સમુદાયમાં રોષની લાગણી
- તો, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મતદાન નહિ કરવા સમુદાયના નેતાઓનો હુંકાર
એક બાજુ ગુજરાત રાજ્યની (ભાજપા) સરકાર ડોક્ટર આંબેડકર જયંતીઓની ઉજવણીઓ કરવા ઉપરાંત બાબાસાહેબના નામે વિવિધ કાર્યક્રમો કરીને અનુસુચિત સમાજના મસીહા હોવાના દાવા કરે છે જયારે બીજી બાજુ સરકારના સામાન્ય વહીવટ વિભાગનું કહેવું છે કે રાજ્ય સરકારની સક્રિય વિચારણાના અંતે એવું નક્કી કરાયું છે કે, સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય નેતાઓના ફોટા મુકવાની પ્રવર્તમાન સૂચનાઓ યથાવત રાખવી. આ જોતા ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટા સરકારી કચેરીમાં મુકવાની વાત ગ્રાહ્ય રાખવામાં આવી નથી.
સરકારી કચેરીમાં મહાત્મા ગાંધીથી માંડીને વિવિધ નેતાઓના ફોટા મુકવામાં આવે છે. સરકારી કચેરીમાં ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટા મુકવા દલિત અધિકાર મંચે અગાઉ રાજ્ય સરકારને ભલામણ કરી હતી એટલું જ નહિ રાષ્ટ્રીય નેતાઓની સૂચિમાં ડો. બાબાસાહેબ આંબેડકરના નામનો સમાવેશ કરવા રજૂઆત કરી હતી.
જે તે સમયે અનુસુચિત સમુદાય અને દલિત અધિકાર મંચ જેવા વિવિધ સંગઠનોનો રોષ વહોરવો ન પડે એટલે દરેક જીલ્લામાં કલેકટર સંકુલ અને મહત્વની ઓફીસોમાં બાબાસાહેબના ફોટા રાખવા સરકારે મન મનાવી ને અધિકારીને તેમાં રોડા ન નાખવા અને ઓફીસમાં ફોટા મુકવા કહેવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે ઘણી બધી કચેરીઓમાં ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટા મુકવામાં આવ્યા છે ત્યારે જો સામાન્ય વહીવટ વિભાગના કહેવા મુજબ આવી માંગણી ગ્રાહ્ય રાખવામાં આવી જ ન હોય તો શું મુકાયેલા ફોટો ખસેડવામાં આવશે ? આમ અનુસુચિત સમુદાયનો રોષ વહોરવા સરકારની કટીબદ્ધતા બની હોય તો નારાજગીનો મોટો વંટોળ સરકાર સામે આવશે અને આ બાબત ત્યારે સામે આવી છે જયારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ ચાલી રહી છે.
આ અંગે દલિત અધિકાર મંચ જેવા વિવિધ સંગઠનોએ સરકારના આવા બેવડા વલણ સામે નારાજગી દર્શાવી છે અને જો સામાન્ય વહીવટ વિભાગ માંગણીને ગ્રાહ્ય નહિ કરે તો માંગણીઓ વધુ ધારદાર બનાવવામાં આવશે અને બાબાસાહેબના નામનો રાષ્ટ્રીય નેતાઓની સૂચિમાં સમાવેશ કરાવવા યથાયોગ્ય પગલાં ભરવામાં આવશે તેમ અનુસુચિત સમાજના નેતાઓની લાગણીઓ ઉદભવી છે.