પોરબંદર LCB ટીમે, જિલ્લાના ટોપટેનના ફરાર આરોપીઓ પૈકીના એકને ઝડપી પાડ્યો

બગવદર પોલીસ સ્ટેશનમાં ધાડ, મર્ડર તથા રાજકોટ ગ્રામ્ય ગોંડલ સિટી અને તાલુકા તેમજ મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા ધાડના ગુનામાં નાસતો ફરતો રીઢા આરોપીને ઝડપી પાડયો છે. પોરબંદર એલસીબીની ટીમે મધ્યપ્રદેશ ખાતે જઇ ત્યાંના લોકો જે પહેરવેશ પહેરે છે તે વેશ ધારણ કરી બે દિવસ સુધી રોકાય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોરબંદર જિલ્લાના ટોપ ટેનના ફરાર આરોપીઓ પૈકીના એક આરોપીને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક દ્વારા ગુજરાત રાજ્યમાં નાસતા ફરતા આરોપીને પકડવા ખાસ ડ્રાઇવ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પાવર તથા પોરબંદર જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના ટોપ ટેન નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપી છે. જેના અનુસંધાને એલસીબીના પીઆઇ એન એન રબારી તથા પી.એસ.આઇ એન એમ ગઢવી અને એલસીબીની ટીમને પોલીસ અધિક્ષક દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ બગવદર પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયેલ હોય અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બયડા ગામનો વતની પારસિંગ જેતુભાઈ આદિવાસીને ઝડપી પડ્યો છે. અને તેને પકડવા માટે એલસીબીના સ્ટાફે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બયડા ગામમાં ટીમને રવાના કરી હતી. એલસીબીની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા જાણવા મળેલ વિગત મુજબ આરોપી તેના વતનમાં હોય અને આરોપી તેમના વતનમાં હોવાથી એલસીબીની ટીમ દ્વારા મધ્યપ્રદેશના બયડા ગામમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાં પોલીસ તરીકેની ઓળખાણ છુપાવી અને સ્થાનિક પ્રજા જેઓ પહેરવેશ ધારણ કરી બે દિવસ રાત્રી રોકાણ કર્યું હતું. અને આરોપીનું રહેણાંક મકાન શોધી કાઢ્યું હતું. સ્થાનિક બાતમી દ્વારા આરોપીની ઓળખ મેળવી આરોપીને તેના ગામથી પકડી પાડયો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઊંડાણપૂર્વક અને ઝીણવટભર્યું પૂછપરછ કરતાં પોતે બગવદર ખાતે બનેલ ગુનાની કબૂલાત આપી હતી. આ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ આવા પ્રકારના ગુના આચર્યા હોવાની કબુલાત આપી હતી. એલસીબીના પીઆઇ એન એન રબારી, પીએસઆઈ ગઢવી, એસઆઈ રાજુ જોશી, રામ ડાકી, જગમાલ વરુ, રમેશ જાદવ, બટુક વિજુડા, હરેશ આહિર, ગોવિંદ મકવાણા, રણજીત દયાતર, વિજય જોશી, દિલીપ મોઢવાડિયા, ઉપેન્દ્ર જાડેજા, કરસન મોડેદરા, રવીરાજ બારડ, લીલા દાસા, ગોવિંદ માળીયા વગેરે પોલીસ સ્ટાફે જહેમત હાથ ધરી હતી અને મર્ડર, લૂંટ તથા ધાડના ગુનામાં નાસતા ફરતા રીઢા ગુનેગારને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.