• – મહિલા કર્મચારીઓમાં રસી લેવા મુદ્દે વધુ ખચકાટ
  • – પ્રારંભે બહૂ ઓછા કર્મચારીઓ જ તૈયાર થતા મીટિંગ લેવી પડી

કોરોના પ્રતિરોધક રસી લેવા મામલે ખૂદ મહેસુલી કર્મચારીઓમાં જ વ્યાપક ખચટાક જોવા મળી રહ્યો છે. રસી સંપૂર્ણ સલામત છે, અને લઈ જ લેવી જોઈએ એવી અપીલ સાથે યુનિયન લીડરો અને અધિકારીઓએ રૂબરૂ ઉપરાંત સોશ્યલ મીડિયા ગ્રુપ્સમાં પણ સમજાવટ કરવી પડી રહી છે.

વરિવારે સરકારી કર્મચારીઓનું વેક્સિનેશન શરૂ થવાનું હોવાથી શનિવારે કન્સેન્ટ પૂછવામાં આવતાં જૂજ કર્મચારીઓ જ તૈયાર થયા હતાં. રેવન્યુ સ્ટાફ પણ જો રસી નહીં લે તો આમ જનતામાં હિચકિચાટ વધશે એમ લાગતાં ઔપચારિક મીટિંગ કરીને અનેક કર્મચારીઓને રસી લેવા મોટીવેટ કરાયા હતાં. એવી વાત પણ ફેલાઈ કે હવે પછીના તબક્કે કોવાક્સિન આવવાની શક્યતા હોવાથી તેનાથી બહેતર એવી કોવિશિલ્ડ હાલ જ લઈ લેવી હિતાવહ છે. કેમ કે પહેલોડોઝ જે વેક્સિનનો અપાશે તે જ વેક્સિનનો બીજો ડોઝ અપાવાનો છે. આ અને આવી અનેક સમજાવટ પછી વેક્સિનેશનમાં ઠીક-ઠીક સંખ્યા થઈ શકી. રવિ-સોમ દરમિયાન રાજકોટ શહેરના ૮૦ અને ગ્રામ્યના ૧૬૦ એમ કુલ ૨૪૦નું વેક્સિનેશન થયું છે. જો કે, કલેકટર પ્રાંત અધિકારીઓ મામલતદારોની કચેરીઓના કાયમી, હંગામી અને કોન્ટ્રાકટ પરના સ્ટાફનું મળીને ૯૦૦નું રજિસ્ટ્રેશન થયું છે. બુધવાર સુધીમાં એમાંના ૯૦-૯૫ ટકા રસી લઈ લે તેવા પ્રયાસ ચાલુ હોવાનું યુનિયનના પ્રવક્તાએ જણાવ્યું હતું.

જો કે સંખ્યા વધારવા ઓફિસ ન્યૂઝ, ડિસ્ટ્રિકટ એડમિનિસ્ટ્રેશન સહિતના વ્હોટ્સએપ ગુ્રપમાં વેક્સિનેટેડ કર્મચારીઓ પોતાની ખૈરિયતના મેસેજ મૂકે એમ જણાવાયું છે. તથા મહિલા કર્મચારીઓમાંથી તો છ સાતે જ રસી લીધી હોઈ યુયિનના મહિલા પ્રતિનિધિ મારફત સમજાવટ ચાલુ છે. બાયપાસ કરાવી ચૂકેલા એક ૫૮ વર્ષીય કર્મચારી પણ રસી લીધા બાદ સંપૂર્ણ સ્વસ્થ જ હોવાનો દાખલ પણ અપાયો હતો. આ દરમિયાન,સાતે’ક કર્મચારીઓને રસી લીધા બાદ ઠંડી ચડવી, તાવ, શરદી અને નબળાઈ જેવા લક્ષણો જણાતાં તેમાંથી અમૂકે ચૂંટણી કામગીરી વખતે પણ અડધો દિવસ રજા મૂકવી પડી હતી પરંતુ એકંદરે કોઈને કશી મોટી આડ અસર થઈ નથી.