• – બાળ પુરસ્કાર માટે દેશનાં ૩ર માંથી ગુજરાતનાં 2 બાળકોની પસંદગી
  • – વડાપ્રધાનની દિવ્યાંગ મંત્ર હરખાણી સાથે વર્ચ્યુઅલ વાતચીત

પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ જુદા જુદા ક્ષેત્રમાં સિધ્ધિનાં શિખરો સર કરનાર દેશનાં ૩ર બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમાંથી છ બાળકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી પ્રોત્સાહિત કર્યા હતા તેમાં રાજકોટનાં ૧૭ વર્ષનાં એક દિવ્યાંગ તરૂણનો પણ સમાવેશ થાય છે. રાજકોટનાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીમીંગમાં અનેક મેડલો મેળવનાર મંત્ર નામનાં તરૂણે વડાપ્રધાનને રાજકોટનાં ગાંઠીયા – જલેબી ખાવાનું આમંત્રણ આપતા મોદી પણ હસી પડયા હતા અને તેમણે ગુજરાતીમાં વાત કરી આ બાળકનું આમંત્રણ સ્વીકાર્યુ હતુ. દર વર્ષે તા. ર૬ મી જાન્યુઆરીએ બાળ પુરસ્કાર બાળકો દિલ્હી પરેડનો હિસ્સો બનતા હોય છે પરંતુ કોરોના ગાઈડ લાઈનને કારણે પહેલીવાર બહાદૂર બાળકો પરેડમાં ભાગ નહિ લઈ શકે.

રાજકોટનો મંત્ર જીતેન્દ્ર હરખાણીનો જન્મ થયો ત્યારથી તેને બોર્ન ડાઉન સિન્ડ્રોમ જોવા મળ્યા હતા. માનસિક બીમારીનો જન્મથી સામનો કરી રહેલા મંત્રએ અદમ્ય સાહસ સાથે સ્વીમીંગમાં રસ લીધો. જિલ્લા , રાજય અને રાષ્ટ્રીય સ્તરે સ્વીમીંગની સ્પર્ધામાં મંત્રએ ભાગ લઈ  અનેક પુરસ્કારો મેળવ્યા છે. નેશનલ  ઓલિમ્પિક મુંબઈમાં ર૦૧૬માં યોજાઈ તેમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. અબુધાબીમાં યોજાયેલી આંતરરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ મંત્રએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

બાળપુરસ્કારથી સન્માનિત બાળકો સાથે આજે વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી વાત કરી હતી તેમાં ગુજરાતનાં બે બાળકોનો સમાવેશ થાય છે. રાજકોટ કલેકટર કચેરી ખાતેથી મોદી સાથે મંત્રએ વાતચીતનો દોર ગુજરાતીમાં જ શરૂ કર્યો હતો. મંત્રએ વડાપ્રધાનને એમ કહયુ કે તમે ગુજરાત – રાજકોટ તો આવો ત્યારે મારી સાથે ફોટો પડાવશો ત્યારે મોદીએ હસતા હસતા કહયું કે રાજકોટનાં ગાંઠીયા સાથે લાવવા પડશે તેનાં જવાબમાં મંત્રએ કહયું કે ગાંઠીયા – જલેબીની સાથે ચા પણ પીવડાવીશ.આ બાળકનાં આમંત્રણનો સ્વીકાર કરી વડાપ્રધાને કહયું કે જરૂર આવીશ ત્યારે મળીશ.

મોદીએ વાતચીતનાં આ દોરમાં પોતાના વતનમાં બાળપણનાં દિવસો યાદ કરીને કહયું હતું કે હું નાનો હતો ત્યારે મિત્રો સાથે તળાવમાં તરતો હતો તું તો એક તરવૈયો છો અનેક લોકો માટે એક પ્રેરણાદાયી કાર્ય કરી રહયો છે તારૂ લક્ષ્ય શું છે ? રાજકોટનાં બાળકે જવાબ આપ્યો હતો કે મારે એક સ્વીમર તરીકે દેશનું નામ રોશન કરવુ છે. મંત્રનાં માતા – પિતા પણ આ સંવાદ વખતે હાજર રહયા હતા. મંત્રનાં પિતાએ જણાંવ્યું હતું કે સંતાનની ઓળખથી માતા – પિતા ઓળખાય તેનાથી વિશેષ ગોૈરવની ઘડી શું હોઈ શકે. મંત્ર અનેક આવા બાળકો માટે પ્રેરણારૂપ બને તે જ અમારા માટે મોટી ખુશી છે.

By admin