અલ્લુ અર્જુન હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન બનેલી દુર્ઘટનાને લઈને સતત પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. આ વચ્ચે હવે આ મામલે જોડાયેલી વધુ એક માહિતી સામે આવી છે. સાઉથના સ્ટાર એક્ટર અલ્લુ અર્જુન આજે કોર્ટના નિર્દેશ બાદ હૈદરાબાદની નામપલ્લી કોર્ટમાં હાજર થયો હતો. કોર્ટના આદેશ મુજબ અલ્લુ અર્જુને 50,000 રૂપિયાની બે જામીનને રજૂ કર્યા હતા. 3 જાન્યુઆરીના રોજ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં કોર્ટે તેને શરતી જામીન આપ્યા હતા. શરતો અનુસાર તેણે દર અઠવાડિયે (દર રવિવારે) કોર્ટમાં હાજર રહેવું પડશે અને સહી કરવી પડશે અને તેને દેશની બહાર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
કોર્ટે અગાઉ અલ્લુ અર્જુનને જામીન આપ્યા હતા
અહીં તમને જણાવી દઈએ કે અગાઉ હૈદરાબાદની એક કોર્ટે અલ્લુ અર્જુનને નિયમિત જામીન આપ્યા હતા. કોર્ટે અલ્લુ અર્જુન અને પોલીસ વકીલોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો આદેશ આપ્યો હતો. કોર્ટે અલ્લુ અર્જુનને 50,000 રૂપિયાની બે જામીન અને બીજો 50,000નો વ્યક્તિગત બોન્ડ જમા કરવા માટે નિર્દેશ આપ્યો હતો.
દર રવિવારે પોલીસ સમક્ષ હાજર થવું પડશે
એક અહેવાલ અનુસાર, જામીનની શરતોના ભાગ રૂપે અલ્લુ અર્જુનને બે મહિના સુધી અથવા ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી દર રવિવારે સવારે 10 થી બપોરના 1 વાગ્યાની વચ્ચે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડશે. અભિનેતાને તપાસમાં કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન કરવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનું ટાળવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે અરજદારે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે અને તે કેસમાં દખલ નહીં કરે અને સાક્ષીઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કરશે નહીં. અભિનેતાએ તેના રહેણાંકનું સરનામું બદલતા પહેલા કોર્ટને જાણ કરવી પડશે અને પરવાનગી વિના તેને દેશ છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
શું હતો સમગ્ર મામલો?
હકીકતમાં સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં પોલીસે અલ્લુ અર્જુન વિરુદ્ધ FIR નોંધીને તેની ધરપકડ કરી હતી. પોલીસે અલ્લુ અર્જુનની પૂછપરછ પણ કરી હતી. જો કે, અલ્લુ અર્જુને બધા જ આરોપોને નકારી કાઢ્યા હતા. આ નાસભાગ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. જ્યારે તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.
અભિનેતાએ પીડિત પરિવારને 2 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી
આ મામલામાં અલ્લુ અર્જુન અને પુષ્પા 2ના નિર્માતાઓએ પીડિત પરિવારને 2 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. અલ્લુ અર્જુને 1 કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે મૈથ્રી મૂવિઝ અને ડિરેક્ટર સુકુમારે 50-50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ફિલ્મ નિર્માતા અને તેલંગાણા ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ દિલ રાજુએ પરિવારને આ વળતર સોંપ્યું હતું.