ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતના સુપરસ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. તેણે પાંચ ટેસ્ટની 9 ઇનિંગ્સમાં 23.75ની સરેરાશથી માત્ર 190 રન બનાવી શક્યો હતો. જો કે તેણે પહેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી. પરંતુ પછી તે પોતાના આ પ્રદર્શનને આગળ વધારી શક્યો ન હતો. તે ઘરઆંગણે રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પણ ફ્લોપ રહ્યો હતો. હવે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે કોહલીની આકરી ટીકા કરી છે. તેણે કોહલીને તેના નિરાશાજનક પ્રદર્શન માટે જવાબદાર ઠેરવ્યો છે. તેણે કોહલીને મહાન બેટર સુનીલ ગાવસ્કરની શરણ લેવાની સલાહ પણ આપી હતી. પઠાણનું માનવું છે કે કોહલીને જ્યારે સમય મળે ત્યારે ઘરેલું ક્રિકેટમાં રમવું જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે કોહલી વર્ષ 2012થી ઘરેલું ક્રિકેટ રમ્યો નથી.
શું કહ્યું પઠાણે?
સિડની ટેસ્ટ મેચમાં ભારતની હાર બાદ પઠાણે કહ્યું હતું કે, ‘ભારતને સુપરસ્ટાર કલ્ચરની જરૂર નથી. ભારતને હવે ટીમ કલ્ચરની જરૂર છે. કૃપા કરીને મને કહો કે વિરાટ કોહલી છેલ્લે ક્યારે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો હતો? તે વાતનો એક દાયકા કરતાં વધુ સમય થઈ ગયો છે. તે પછી મહાન સચિન તેંડુલકર પણ રમ્યો હતો. જેણે હવે સંન્યાસ લઈ લીધો છે. સચિનની જરૂર ન હતી પરંતુ તેમ છતાં તે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો હતો. તે રમતો હતો કારણ કે પીચ પર ઊભા રહેવું, ચાર દિવસ ફિલ્ડિંગ કરવાથી ઘણાં ફાયદા થાય છે. રન બનાવવા કે ન બનાવવા એ મુદ્દો નથી કારણ કે તેણે ઘણાં રન બનાવ્યા હતા.’
તેના કરતા યુવા ખેલાડીઓને તક આપો
પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું, ‘વર્ષ 2024માં ભારતીય ટીમને પહેલી ઇનિંગમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પહેલી ઇનિંગમાં જ્યાં મેચ સેટ કરવાનો હોય છે, ત્યાં કોહલીની સરેરાશ 15 છે. કોહલીના છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો તેની સરેરાશ 30 પણ રહી નથી. શું ભારતીય ટીમ તેના વરિષ્ઠ ખેલાડીઓ પાસેથી આવી અપેક્ષા રાખે છે? તેના કરતા વધુ સારું તો એ છે કે તમે યુવા ખેલાડીઓને તક આપો. તે પણ 25-30ની સરેરાશ આપશે. અહીં વાત કોઈ એક ખેલાડીની નથી પરંતુ ટીમની છે.’ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કોહલી ઓફ-સ્ટમ્પની બહારના બોલ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તે લગભગ આ જ રીતે આઠ વખત આઉટ થયો હતો.
અમે તેને અપમાનિત નથી કરી રહ્યા
પઠાણનું માનવું છે કે કોહલીએ પોતાની ભૂલો સુધારવાનું કામ કર્યું નથી. તેણે આ વાત યારે ખી હતી કે જયારે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સિડનીના મેદાન પર તેની સાથે હાજર હતા. પઠાણે વધુમાં કહ્યું હતું કે, ‘જ્યારે પણ આપણે કોહલી વિશે વાત કરીએ છીએ ત્યારે અમે તેને અપમાનિત નથી કરી રહ્યા. અમે એવું નથી કહી રહ્યા કે તેણે બિલકુલ રન બનાવ્યા નથી. તેણે ભારત માટે ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. પણ એક જ ભૂલને કારણે વારંવાર આઉટ થવું એ કેટલી હદે ઠીક છે? સુનીલ ગાવસ્કર સાહેબે તેની ટેકનિકલ ભૂલ વિશે વાત કરી છે. તે ટેકનિકલ ભૂલ સુધારવાનો પ્રયાસ નથી કરી રહ્યો. ગાવસ્કર સર અહીં મેદાનમાં છે. કોહલીને ગાવસ્કર સર સાથે વાત કરવામાં કે કોઈ મહાન ખેલાડી સાથે વાત કરવામાં કેટલો સમય લાગે. ભૂલ સુધારવા માટે સખત મહેનત કરવી પડે છે.’