શસ્ત્ર, શાસ્ત્ર, અસ્ત્ર, અશ્વ અને વાહનોનું પરંપરાગત રીતે પૂજન

વિજયા દશમીના મહિમાવંત મહાપર્વે. વિજય મુર્હૂતમાં ગરાસિયા સમાજ અને સિન્ધી સમાજ તેમજ પોલીસ અને  હોમગાર્ડઝ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કરી અનિષ્ટો પર વિજયની પ્રાર્થના કરાઈ.

  સનાતન ધર્મ સંસ્કૃતિમાં હિન્દુ દેવ અને દેવીઓની પરંપરાગત રીતે પૂજાવિધિ થાય છે. તમામ દેવ દેવતાઓએ સમયાંતરે અનિષ્ટોના સંહાર માટે શસ્ત્રો અને આયુધ ધારણ કર્યા છે. જયાં પૌરાણિક કાળથી પરંપરા અને સંસ્કૃતિનું અવિરતપણે જતન અને જાળવણી થાય છે એવા ગોહિલવાડમાં દશેરાના અનન્ય મહિમાવંતા મહાપર્વે શસ્ત્રપૂજનની પરંપરા રહી છે. ત્યારે શનિવારે વિજયાદશમીના વિજય મુર્હૂતે ગરાસિયા સમાજ, પોલીસ, હોમગાર્ડઝ તેમજ આઈ.એમ.એસોસીએશન દ્વારા સામુહિક અને વ્યકિતગત રીતે ઘરમાં તેમજ મંદિરોમાં વિધિવત શસ્ત્રપૂજન કરી અનિષ્ટો પર વિજયની મંગલ કામના સાથે પ્રાર્થના કરી હતી.

જપ, તપ, આસ્થા અને અનન્ય શ્રધ્ધાના મહાપર્વ શારદિય નવરાત્રી મહોત્સવનું અંતિમ તબકકામાં આઠમ અને નોમના પર્વની રંગેચંગે ઉજવણી સાથે સમાપન થયુ હતુ. ગોહિલવાડમાં ધર્મોત્સવ અને રાસોત્સવ સાથે નવલા નવરાત્રિ મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. અંતિમ  નોરતે ખેલૈયાઓએ મન મુકીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. સાર્વજનિક અને પ્રોફેશ્નલ આયોજનમાં યુવા વર્ગ મોડી રાત સુધી હેલે ચડયો હતો. આ વર્ષે નવરાત્રિમાં પરંપરાગત રીતે પેચવર્ક અને બોર્ડરવાળા ચણિયાચોળી ઉપરાંત મલ્ટીકલર, ડબલ લેયર અને મિરર વર્ડ ચણીયાચોળીની યુવાખેલૈયાઓમાં ભારે ડિમાન્ડ રહી હતી. જયારે કચ્છીવર્ક અને ઘુઘરીવાળા ઓર્નામેન્ટનો ખેલૈયાઓમાં ક્રેઝ જોવા મળ્યો હતો. નવરાત્રીના અનુષ્ઠાનની પુર્ણાહુતિએ ગાયત્રી શકિતપીઠ સહિતના ધર્મસ્થાનકો, માઈમંદીરોમાં યજ્ઞા, ૬૪ જોગણીના દર્શન, કુમારિકા પૂજન અને લાણી વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અંતિમ દિવસોમાં દેવદર્શન અર્થે માતાજીના મઢ, મંદિરોમાં માનવ મહેરામણ ઉમટતા ધર્મોત્સવનો માહોલ ખરા અર્થમાં જામ્યો હતો. હજુ દશેરાથી લઈને શરદ પૂનમ સુધી કુળદેવી, સુરધનદાદાને કર અને માતાજીને નૈવેદ્ય ધરવાનો પ્રસંગ આસ્થા અને  પરંપરા સાથે ઉજવાશે. નવરાત્રિ મહોત્સવનું સમાપન થતા શનિવારે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં પરંપરાગત રીતે  વિજયાદશમીના તહેવારની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળા ખાણીપીણીના રસિકજનોએ ઉંધીયુ પુરી, ચોળાફળી, શુધ્ધ ઘીની કેસરયુકત જલેબી, અવનવી મીઠાઈઓની જયાફત માણી હતી. આજના પાવનકારી અવસરે શસ્ત્ર, અસ્ત્ર, અશ્વ અને વાહનનું પૂજન અર્ચન કરાયુ હતુ. અશ્વ અને વાહન ઉપર ફૂલહાર ચઢાવી,અક્ષત અને કુમકુમનુ તિલક કરાયુ હતુ. જયારે અશ્વપૂજન દરમિયાન અશ્વને ગોળ ખવડાવાયો હતો. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ આર.એસ.એસ. દ્વારા પથ સંચલન યોજાયુ હતુ. ભાવનગર ગરાસિયા સમાજ દ્વારા પ્રતિ વર્ષની પ્રણાલિકા મુજબ આ વર્ષે પણ શનિવારે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. તે પૂર્વે ક્ષત્રિય યુવા શકિત ગૃપના ઉપક્રમે શહેરના ચિત્રાના ગાયત્રી મંદિરેથી એક વિશાળ મોટર સાયકલ રેલીને સમાજના આગેવાનો દ્વારા વિધિવત રીતે પ્રસ્થાન કરાવાઈ હતી. જે વિરાટ સ્કુટર રેલી જયઘોષ અને નારાઓ સાથે વાજતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને નવાપરા આવી હતી. બાદ શહેરના એવી સ્કુલના ક્રિકેટના મેદાનમાં સમાજના વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ મહાનુભાવો, રાજકીય અને સામાજિક આગેવાનોનોની વિશાળ ઉપસ્થિતીમાં શાસ્ત્રોકત રીતે શસ્ત્રપૂજનવિધિ કરાઈ હતી. તેમજ સિન્ધી સમાજની વિજયાદશમી સમિતિ દ્વારા અંબિકા માતાજીના મંદિરમાં શસ્ત્ર અને શાસ્ત્રનું પૂજન કરાયુ હતુ. સવારે અંબિકા માતાજીના મંદિરેથી  ડીજે સાથે શોભાયાત્રા નિકળી હતી. આ ઉપરાંત ભાવનગર પોલીસ તંત્ર દ્વારા શહેરના નવાપરા ખાતે આવેલા હેડ કવાર્ટરમાં પરંપરાગત રીતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓના હસ્તે શસ્ત્રોનું પૂજન કરાયુ હતુ. જયારે શહેરના પાનવાડી ખાતે આવેલા જિલ્લા હોમગાર્ડઝ કચેરીમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ સહિતના પદાધિકારીઓના હસ્તે શસ્ત્રપૂજન કરાયુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *