દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. હાલના પ્રવર્તમાન સંજોગો અને ગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહેવાલો અનુસાર આંતકવાદી અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા તત્વો દ્વારા કરાતી ગેરકાયદેસરની પ્રવૃતિ રોકવા તથા આવી પ્રવૃતિ કરતા ગુનેગારોની ઓળખ સહેલાઇથી થઇ શકે અને ગુન્હાઓને અટકાવવા માટે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મહત્વના સ્થળો જેવા કે પેટ્રોલપંપ, ટોલ પ્લાઝા, તમામ બેંકો, એ.ટી.એમ.સેન્ટરો, ખાનગી ફાઇનાન્સરો, શ્રોફ, આંગળીયા પેઢીઓ, સોના ચાંદીના શો-રૂમ, હોટલો ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટ તથા શોપીંગ મોલ, થિયેટર વગેરે સ્થળોએ નાઇટ વિઝન તથા હાઇડેફીનેશન વાળા તેમજ ૧૫ દિવસની રેકોર્ડીંગની ક્ષમતા ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા મુકવાના રહેશે. આ અંગે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા, મેજીસ્ટ્રેટશ્રી દ્વારા  એક જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.

આ જાહેરનામા અન્વયે આ કેમેરા ચાલુ હાલતમાં હોવા જોઇએ. નવા શરૂ થતા એકમોએ ઉપરોકત વ્યાવસ્થા કર્યા બાદ જ ધંધો વ્યવસાય શરૂ કરવાનો રહેશે. તમામ જગ્યા  આવરી લે એવા વધુ રેન્જના ગુણવત્તા વાળા સી.સી.ટી.વી.કેમેરા ગોઠવવાના રહેશે. તેમજ ૨૪ કલાક કેમેરા ચાલુ રાખવાના રહેશે.  ડેટા ઓછામાં ઓછા ૧૫ દિવસનો સાચવવાનો રહેશે. પોલીસ  અધિકારી તપાસ હેતુ માટે રેકોર્ડીંગની માંગણી કરે તો તે સોંપવાના રહેશે. આ જાહેરનામું તા. ૦૪/૦૪/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે.