સહકારી ક્ષેત્રમાં ગેરરીતિ થઈ હોય એવા સમાચાર છાશવારે આપણી સામે આવતા રહે છે. આ ગેરરીતિમાં ઉમેરો કરનાર છે ખંભાતની મિતલી સેવા સહકારી મંડળી

સહકારી ક્ષેત્રને વધુ ને વધુ આગળ કરવા માટે સરકાર તરફથી સંનિષ્ઠ પ્રયાસ થતા હશે પરંતુ આ પ્રયાસમાં લૂણો લગાવવાવાળા લોકો જાણે કે તૈયાર જ બેઠા છે. સહકારી ક્ષેત્રમાં ગેરરીતિ થઈ હોય એવા સમાચાર છાશવારે આપણી સામે આવતા રહે છે. આ ગેરરીતિમાં ઉમેરો કરનાર છે ખંભાતની મિતલી સેવા સહકારી મંડળી. આ મંડળીના સેક્રેટરી અને કેટલાક સભાસદોએ મળીને ખેડા જિલ્લા સહકારી બેંક સાથે 2 કરોડથી વધુનુ કૌભાંડ આચર્યું. સહકારી મંડળી દ્વારા લાખો-કરોડોની ઉચાપત થઈ હોય એવા બનાવ ગુજરાત માટે નવા નથી. આવી ઉચાપતનો ભોગ મોટેભાગે નિષ્ઠાવાન સભાસદો બને છે. સહકારી ક્ષેત્ર સાથે મોટેભાગે ખેડૂત જોડાયેલો હોય છે એટલે મંડળીના હોદ્દેદારો જ્યારે પણ ઉચાપત કરે તેની સૌથી વધુ અસર ખેડૂતને થાય. સત્તાપક્ષના અને વિપક્ષના ધારાસભ્યો પણ સહકારી ક્ષેત્રે થતી ગેરરીતિનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવી ચુક્યા છે અને નામ સાથેના પુરાવા પણ આપી ચુક્યા છે. સહકાર વિભાગ તરફથી પણ ગેરરીતિઓને રોકવા સતત પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ કેટલાક લાલચુ લોકો તક જોઈને છેતરપિંડી કરવાનું ચુકતા નથી અને સરવાળે નિર્દોષ ખેડૂતો કે પશુપાલકોના લાખો-કરોડો રૂપિયા જે મંડળીને વિશ્વાસે આપેલા હોય છે તે ચાઉં થઈ જાય છે. સહકારી ક્ષેત્રે સતત પરિવર્તન થઈ રહ્યા હોય ત્યારે લેભાગુ લોકો આવા સારા ક્ષેત્રમાં પ્રવેશતા કઈ રીતે અટકે. સહકારી ક્ષેત્રે વધુ કડક કાયદાઓની જરૂરિયાત ઉભી થઈ છે કે જે લાલચુ લોકોને કંઈ ખોટું કરતા પહેલા સો વાર વિચારતા કરી મુકે?. સહકારી ક્ષેત્રે વણથંભી ગેરરીતિ અટકવાનું અને જવાબદારોની પેઢીઓને યાદ રહી જાય એવી સજા થવાનું ભાગ્યે જ કેમ બને છે?

ગેરરીતિનો સિલસિલો

સહકારી ક્ષેત્રે ગેરરીતિનો સિલસિલો યથાવત છે. અનેક સહકારી મંડળીઓમાં ઉચાપત થયાનું સામે આવ્યું છે. ગેરરીતિ સતત થતી રહે છે પણ દાખલારૂપ કાર્યવાહી થતી નથી. ઓડિટ અને ઈન્સ્પેકશન થાય છે પરંતુ નક્કર કાર્યવાહી થતી નથી. સહકારી ક્ષેત્રે ગેરરીતિ ક્યારે અટકશે તે મહત્વનો સવાલ. રૂપિયાના મુદ્દે છેતરપિંડી કરનારાઓને આકરી સજા થશે કે કેમ? આરોપીઓ પકડાયા પણ છે પરંતુ દાખલારૂપ કાર્યવાહી થશે?

આણંદનો કેસ શું છે?

મિતલી સેવા સહકારી મંડળીનું જોડાણ KDCC બેંક સાથે હતું. 2019માં મંડળીના સભાસદોને બેંક તરફથી ધીરાણ મળ્યું હતું. ધીરાણની રિકવરીની જવાબદારી મંડળીના સેક્રેટરી રમેશ વાળંદને સોંપી, રમેશ વાળંદે લોનધારકો પાસેથી વસૂલાત કરી છે. નો-ડ્યુ સર્ટિફિકેટ આપીને ખોટા સહી-સિક્કા કરી નાંખ્યા અને રમેશ વાળંદે લોનની રકમ બેંકમાં જમા ન કરાવી. રમેશ વાળંદે અન્ય 10 હોદ્દેદારોને સાધી લીધા હતા. ખેડા જિલ્લા બેંક સાથે આ રીતે લગભગ 2.04 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ફરિયાદને આધારે ખંભાત પોલીસે રમેશ વાળંદની ધરપકડ કરી છે. અન્ય 8 આરોપીઓ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા

છેલ્લા એક વર્ષમાં ચર્ચાસ્પદ ગેરરીતિ

ભેસાણ

જૂનીધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળીમાં 6 કરોડની ઉચાપત કરી છે. ATM અને પાનકાર્ડ લિંક કરવાના બહાને કર્મચારીઓની ચેકબુક લઈ લેવામાં આવી છે. વાંદરવડ અને છોડવડી ગામની મંડળીમાં પણ ઉચાપત થઈ હતી

સુરેન્દ્રનગર

દાણાવાડા ખેડૂત સેવા સહકારી મંડળીના મંત્રી સામે ફરિયાદ થઈ, 63.80 લાખની ઉચાપતની ફરિયાદ

સડલા સેવા જૂથ સહકારી મંડળી

સડલા સેવા જૂથ સહકારી મંડળીમાં ઉચાપતનો આરોપ છે. ખેડૂતોને લોન માટે રૂપિયા આપવાને બદલે હોદ્દેદારોએ અંગત ઉપયોગ કર્યો તેમજ 1 કરોડ 10 લાખની ઉચાપત થયાનો આરોપ છે. પોલીસે સી-સમરી ભરી હતી, ફરિયાદીએ કોર્ટને વાંધા અરજી પણ સોંપી હતી

પાટણ

સાંપ્રા સેવા સહકારી મંડળીનું કૌભાંડ સામે આવ્યું હતું. બનાવટી દસ્તાવેજના આધારે લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યાનું ખુલ્યું હતું. ખેડૂતોની જાણ બહાર ખેડૂતોના બેંક ખાતા ખુલી ગયા અને ખેડૂતોના ખાતા ખોલી લાખો રૂપિયાની લોન લઈ લીધી હતી.

સરકાર તરફથી પારદર્શિતા માટે પ્રયાસ

સહકાર વિભાગે ગેરરીતિ કરીને અપાયેલી નોકરી અંગે તપાસ કરી છે. સહકારી બેંક, APMC, ડેરીઓ પાસેથી ભરતીની વિગત માગી હતી. છેલ્લા 20 વર્ષમાં થયેલી ભરતીની માહિતી માગી અને સહકાર વિભાગે બોગસ સભાસદ અને મંડળીઓ રદ કરી, મૃત્યુ પામેલા લોકોના નામ પણ મંડળીમાં ચાલતા હતા, 2.99 લાખથી વધુ બોગસ સભાસદોના નામ કમી કરાયા. 510 જેટલી બોગસ મંડળીઓ પણ રદ કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 10 હજાર 262 મંડળીઓ નોંધાયેલી છે. સૌરાષ્ટ્રની 200થી વધુ સહકારી મંડળીને IT તરફથી નોટિસ અપાઈ છે. નાના થાપણદારોની ડિપોઝીટના નામે કરોડોના વ્યવહાર થતા હતા. અનેક મંડળીઓએ રિટર્ન ભર્યા નહતા

નેતાઓએ પણ લગાવ્યા છે આરોપ

વિધાનસભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આરોપ લગાવ્યો હતો. સહકારી ક્ષેત્રની નોકરીઓમાં સગાવાદનો આક્ષેપ કર્યો હતો. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ બરોડા ડેરીમાં સગાવાદનો આક્ષેપ કર્યો હતો. કેતન ઈનામદારે સુમુલ ડેરીના તત્કાલિન ડિરેક્ટરની પણ વાત કરી હતી. 2015-2020માં સુદામા પટેલે પોતાના દીકરાને નોકરી આપી હતી. સહકારી કાયદા મુજબ જ્યાં પિતા ડિરેક્ટર હોય ત્યાં દીકરાને નોકરીએ ન રાખી શકાય. રાજકોટ જિલ્લા બેંકમાં પ્યુનની ભરતીમાં પણ કૌભાંડના આક્ષેપ થયા હતા. રોજગાર કચેરીમાં નામ મંગાવ્યા વગર જ ભરતી થયાના આક્ષેપ થયા હતા. 1 વર્ષમાં પ્યુન કાયમી થઈ ગયા અને 5 વર્ષે ક્લાર્ક તરીકે પ્રમોશન મળી ગયું હતું. ગુજકોમાસોલે પણ ભ્રષ્ટાચાર કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે. બનાસકાંઠાના ખારેડામાં 1 કરોડથી વધુનું જમીન કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. ગાંધીનગરમાં મકાન, પ્લોટની ખરીદીમાં ગુજકોમાસોલે 8 કરોડના બિલ મુક્યા હતા