ભારતમાં સૌથી મોટો ૧૬૦૦ કિલોમીટર નો સમુદ્ર કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત રાજ્યમાં છે, આમાં પણ વધુ મોટો કિનારો સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને દ્વારકા થી દીવ સુધીનો સમુદ્ર કિનારો પથરાયેલો છે.

સમુદ્રી ખેતી કરતાં સાગરખેડુ દીવ, કોડીનાર, વેરાવળ, ચોરવાડ, માંગરોળ, માધવપુર, દ્વારકા અને જામનગરમાં વસે છે એમાંથી વધુ ભોળા માછીમાર અમારા પોરબંદરમાં વસે છે. ૨૦૦૨ પહેલાના સમયમાં આંશિક દુઃખી આ સમાજ સમય રહેતાં સમસ્યાઓમાં ઘેરાવા લાગ્યો, આજે ત્રીસ વર્ષ પછી એક પત્રકાર અને સામાજીક નેતા તરીકે આ સ્થિતિનું આકલન કરતા કહું તો ભોળો માછીમાર સમાજ રાજકીય નેતાઓનો શિકાર બન્યો છે.

સહુથી મોંઘો, સહુથી વધુ જોખમી, સહુથી વધુ કઠોર પરિશ્રમ અને કાળી મજૂરી કહેવાય એવા વ્યવસાયમાં માછીમારી એ એક જ વ્યવસાય આ સમાજની આજીવીકા નું મુખ્ય સાધન છે.

ડીઝલ અને કેરોસીનમાં સબસીડી નહિવત બની ચુકી છે, કમસેકમ ૫૦ લાખ રૂપિયાની કિંમતની બોટ હોય એ આંતરરાષ્ટ્રીય સીમાડે આંચકાઈ જાય ત્યારે ચૂપ બેસતી રાજનીતિ, બોટ સાથે માનવ મૂલ્ય પકડાઈ જાય, અન્ય દેશોમાં સડે, સબડે ત્યારે મુકપ્રેક્ષક બની જતી માનવતા, બાળકોના અભ્યાસ માટે પોતાની સંપત્તિ અને પ્રોપર્ટીનું પોતાના જ હાથે લીલામ કરી બેસતા ભોળા આ સમાજના પુત્ર કે પુત્રી જયારે આજીવિકા ની પરીક્ષા આપવા બેસે ત્યારે ફૂટી જતા પેપરો પાસે લાચાર અને અસહાય બની જતાં એના પોતાના સમાજના સંગઠનો પણ જ્યારે મૌન સાધી લે ત્યારે ભારતની રાજનીતિને ચુપચાપ મતદાન કરી આપતો અમારો આ ભોળો માછીમાર સમાજ.
આ સમાજને જગાડનાર કોઈ નથી, જે જાગે છે એ નેતાઓની બિન (વાંસળી) મુજબ નાચે છે, જે જાગતા નથી એ આવા નાચતા લોકોને નાચવામાં સાથ પુરાવે છે, ત્યારે સવાલ થાય કે કોઈ આ સમાજના ભોળપણ નો કેટલો લાભ ઉઠાવી શકે ? 

આવો નજર કરીએ ક્યાં ક્યાં આ સમુદાયના ભોળપણનો લાભ ઉઠાવાયો છે.
૧) સરકાર માછીમાર ને સાગર ખેડુ તો કહે છે પરંતુ ખેડૂતોને મળતા એક પણ લાભ આ સમાજને આપતી નથી, ઉદાહરણ તરીકે કોઈપણ ખેડૂત માછીમારી કરી શકે છે પરંતુ કોઈ પણ માછીમાર ખેતી કરી શકતો નથી! સમુદ્ર માં માત્ર છ મહીના માછીમારી નો વ્યવસાય હોય છે, બાકી ના છ માસ આ લોકો ખેતી પર નભે તેવી વ્યવસ્થા કોણ કરશે ?

૨) દક્ષિણના રાજ્યોમાં માછીમાર જ્યારે સમુદ્રમા ન હોય ત્યારે એના ઘર પરિવારના ગુજરાન માટે સરકાર ત્રણ હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે, એ અમારા પોરબંદર માં ક્યાં ?

૩) માછીમાર સમાજ માત્ર મત આપે એટલે અને છાપામાં વાહવાહી મળે એટલાં પૂરતું આ સમાજની રજુઆત કરી હોવાનો લેટર (પત્ર) અખબારમાં છપાવીને આખાય આ ભોળા સમાજ ને સ્થાનિક નેતાઓ (ધારાસભ્ય/સંસદસભ્ય) રીતસર બેવકૂફ બનાવે છે, અને ક્યારેય જણાવતાં નથી કે આગળ રજુઆત કરી એનું શું થયું ? અર્થાત આવો પત્ર માત્ર અખબાર માટે જ બનાવતા હશે કે શું?

૪) માચ્છી મારી એક જ એવો વ્યવસાય છે જેમાં નિવૃત્તિ નથી, આ સમાજના પુરુષો જયારે આ વ્યવસાય માટે અસમર્થ બને ત્યારે સમાજ જીવનથી દૂર ખસેડાઈ જાય છે, ત્યારે બચપણથી આ વ્યવસાયમાં આવતો આ સમાજનો દીકરો એક વખત આ વ્યવસાયમાં પડે એટલે આ સિવાય એ કાંઈ કરવા લાયક નથી બચતો, ત્યારે આ સમાજના સિનિયર સીટીઝન લાઈફ વિશે સરકારે કે નેતાઓએ કે આ સમાજનું નેતૃત્વ કરતાં લોકોએ ક્યારેય વિચાર્યું જ નથી, અને લાગે છે કે ક્યારેય વિચારશે પણ નહીં? કારણ કે આ સમાજ ભોળો છે.

૫) રાષ્ટ્રની જેટલી પણ સ્કીમ છે જેવી કે પ્રોઢ શિક્ષણ, શીશું શિક્ષણ, વયસ્ક શિક્ષણ, યુવા, યુવતી શિક્ષણ, સ્ટાર્ટઅપ, સ્કિલ્સ ડેવલોપમેન્ટ, મહિલા ઈમ્પ્રુવમેન્ટ, સમુદ્રી સુરક્ષા, સમુદ્રી વ્યવસાયમાં આર્થિક સહાય, લોન, માર્ગદર્શન, દુષણ નાબુદી જેવી મોટાભાગની સ્કીમો અંગે આ સમાજમાં સરકારનો કોઈ સીધો સંપર્ક નથી. બોટ વ્યવસાયમાં લોન અને લાયસન્સ રાજથી પીડિત આ સમાજ ક્યારેય નેતાઓને પૂછી નથી શકતો કે રાષ્ટ્રમાં બધા માટે સરકારે સ્કીમ બનાવી છે, તેમાં અમારું સ્થાન ક્યાં છે ?

પોતાના મતોથી ભલભલા નેતાઓને નચાવી શકાય એવી શક્તિ આ સમાજ પાસે ઉપલબ્ધ હોવા છતાં, તેઓ પોરબંદરના રાજકીય નેતાઓના ભોગ બની રહ્યા છે. અખબારમાં ચમકતા નેતાઓ સાથે ખારવાનો કોઈ દીકરો ચમકી જાય તો એવા પેપરના કટિંગ જમા કરતો આ સમાજ જયારે એની બોટ પકડાઈ જાય, સ્વજન વિખેરાઈ જાય ત્યારે એકલો પડી જાય છે. એની આ એકલતાનો લાભ જ સ્થાનિક નેતાઓ લઇ જાય છે એ આ સમાજે સમજવાની જરૂર છે.

વધુ વાંચવા માટે બીજા અંકની રાહ જુઓ (આ અંગે પોરબંદર ની લોકલ ન્યુઝ ચેનલ માં ૧૦ એપીસોડથી વિડીઓ સ્ટોરી પણ તૈયાર કરવામાં આવી રહી છે)