દારૂ પીવા માટે રોકતી પત્નીને પતિએ ગળામાં ધારદાર ચપ્પુ મારી પતાવી દીધી

વડોદરા નજીક આવેલા રામનાથ ગામે દારૂ પીવાની ના પાડતા પતિએ યુવાન પત્નીના ગળા પર ધારદાર છરાનો ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવના પગલે સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા તાલુકાના રામનાથ ગામમાં રહેતા યુવરાજસિંહ જસવંતસિંહ પઢિયારના લગ્ન વર્ષ 2019માં હાલોલ ખાતે ગાયત્રીનગરમાં રહેતા બળવંતસિંહ ચાવડાની પુત્રી દીપિકા સાથે થયા હતા. લગ્ન બાદ દીપિકા ઘેર આવી ત્યારે પતિ ખૂબ દારૂ પીતો હોવાથી તેની આદત બાબતે દીપિકા પતિને ટોકતી હતી. આ બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતો હતો પતિના દારૂ પીવાની આદતના કારણે એક વર્ષ પહેલા દીપિકા તેના પિયરમાં જતી રહી હતી અને ત્યાં જ રહેતી હતી જોકે યુવરાજસિંહ સાસરીમાં ગયો હતો અને હવે હું દારૂ નહીં પીવું તેમ મનાવીને પત્નીને પોતાના ઘેર લઈ આવ્યો હતો. જોકે નવરાત્રીમાં દીપિકા પિયરમાં ગઈ ત્યારે તેણે ફરિયાદ કરી હતી કે પતિને હું દારૂ ન પીવા માટે રોકું છું તો તે મારી સાથે ઝઘડો કરી મારઝૂડ કરે છે. દરમ્યાન ગઈકાલે સાંજે પાડોશમાં રહેતા જયદીપભાઇને દીપિકાના નાના ભાઈ પ્રણયે ફોન કર્યો હતો અને બહેન સાથે વાત કરવા જણાવ્યું હતું. જોકે જયદીપભાઇએ એવું કહ્યું કે સાંજે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને યુવરાજસિંહે ગળામાં ચપ્પુ મારતા દીપિકાનું મોત થયું છે. બાદમાં દીપિકાના પિયરપક્ષના સભ્યો રામનાથ ગામે આવી ગયા હતા અને બનાવ અંગે વરણામા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે યુવરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેને રાઉન્ડ અપ કર્યો છે.