32 મિનિટમાં 20 કરોડના દાગીનાની ચોરી, જ્વેલરીના શોરૂમની ઘટના CCTVમાં કેદ

આજે એટલે કે 10 નવેમ્બર 2023ના રોજ ધનતેરસના શુભ દિવસે એક જ્વેલર્સમાંથી ચોરીની ઘટના ઘટી હતી. દેહરાદૂનમાં રિલાયન્સ જ્વેલર્સના શોરૂમના કર્મચારીઓને મોટો આંચકો લાગ્યો હતો. શોરૂમમાં ઘૂસેલા કેટલાક લૂંટારુઓએ માત્ર 32 મિનિટમાં જ હાથ સાફ કર્યા અને 20 કરોડની જ્વેલરી લઈને ફરાર થઈ ગયા. શોરૂમમાં કામ કરતા કર્મચારીઓને ડરાવવા માટે ચોરોએ કેટલાકને બંદૂક બતાવીને ધમકી આપી હતી અને કેટલાકને માર માર્યો હતો.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ચોરોથી કર્મચારીઓ એટલા ડરી ગયા હતા કે લૂંટારાઓ ગયા પછી પણ કેટલીક મહિલા કર્મચારીઓ ડરના માર્યા પોતાના આંસુ રોકી શકી નહીં. કર્મચારીઓએ પોલીસને આપેલી માહિતી મુજબ ચાર લૂંટારુઓ શોરૂમમાં ઘૂસ્યા હતા જ્યારે તેમના કેટલાક સાથીદારો બહાર ચોકીદારી કરીને ઉભા હતા. લૂંટની ઘટના રાજપુર રોડ પર આવેલા રિલાયન્સ જ્વેલરી શોરૂમમાં ગુરુવારે ધોળા દિવસે બની હતી.