રૂપિયા વસૂલવા ઘાતકી હુમલો કરનાર જૂનાગઢનો આરોપી વડોદરામાં પકડાયો

જૂનાગઢના મેંદરડા વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી માટે ખુની હુમલો કરનાર આરોપી વડોદરામાંથી ઝડપાઈ ગયો છે.

મેદરડાના આલીન્દ્રા ગામે રહેતા નાનજીભાઈ લક્કડે વિજાપુરના દેવશીભાઈ કોદાવાલા પાસે રૂ.23.50 લાખ ઉછીના લીધા હતા. જે રકમ તેમણે પરત ચૂકવી દીધી હોવા છતાં તેમની પાસે વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી.

ગઈ તા.21 એપ્રિલે નાનજીભાઈ બાઈક પર ખેતરમાં જતા હતા ત્યારે દેવશીભાઈ તેમના ભત્રીજા સહિત ત્રણ જણાએ તેમને આંતરી પાવડા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ હુમલાખોરો ફરાર થઈ જતા પોલીસે ગુનો નોધી શોધખોળ કરી હતી.

આ ગુનાનો આરોપી સંજય દેવશીભાઈ કોદાવાલા વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સેફ્રોન ટાવર નજીક હોવાની વિગતોને પગલે પોલીસે તેને ઝડપી પાડી જુનાગઢ પોલીસને સોપવા તજવીજ કરી છે.