આજે CM કેજરીવાલ ED સમક્ષ હાજર થશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસના લોકસભાના સાંસદ મહુઆ મોઇત્રાને આજે બે અલગ-અલગ કેસમાં પૂછપરછનો સામનો કરવો પડશે. દિલ્હી CM અરવિંદ કેજરીવાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થશે જ્યારે મહુઆ મોઈત્રા લોકસભાની એથિક્સ કમિટીના પ્રશ્નોના જવાબ આપશે.

ભાજપે કહ્યું ‘બંને 2 નંબરી’

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લીકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સામે હાજર થશે જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવશે. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રા પણ ‘કેશ ફોર ક્વેરી’ એટલે કે રોકડ લઈને પ્રશ્નો પૂછવાના મામલે લોકસભાની એથિક્સ કમિટીના સવાલોના જવાબ આપશે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ બંને વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે ‘બંને 2 નંબરી’ છે.

લીકર કૌભાંડમાં AAPના બે નેતાઓની ધરપકડ થઈ ગઈ છે

દિલ્હી લીકર કૌભાંડ કેસમાં ED કેજરીવાલની પૂછપરછ કરવા જઈ રહી છે. આ કૌભાંડમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ થઈ ચૂકી છે. 

મહુઆ મોઇત્રાનું સંસદીય ખાતું દુબઈથી 47 વખત  લોગ ઈન થયું

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા આજે સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાના છે ત્યારે તેના એક દિવસ પહેલા કેસ સાથે જોડાયેલા સૂત્રોએ દાવો કર્યો છે કે તેના સંસદીય ખાતામાંથી લગભગ 47 વખત દુબઈથી  લોગ ઈન કરવામાં આવ્યું હતું.