અમેરિકામાં ફરી એકવાર ભારતીય મૂળના એક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે, અમેરિકાના ઈન્ડિયાના (Indiana) રાજ્યમાં ભારતીય મૂળના વિદ્યાર્થી (Indian origin Student) પર ચપ્પા વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી 

અમેરિકામાં ભારતીય પર હુમલાની ઘટના અવારનવાર સામે આવી રહી છે ત્યારે હવે ફરીથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ઈન્ડિયાના રાજ્યમાં વાલપરાઈસો શહેરમાં એક સાર્વજનિક જીમ (Public Gym)માં 24 વર્ષીય ભારતીય મૂળના વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભારતીય યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ભારતીય યુવકની ઓળક વરુણ તરીકે થઈ હતી જ્યારે મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈન્ડિયાના પોલીસે આરોપી જોર્ડન એન્ડ્રેડની ધરપકડ કરી છે. 

વરુણનું ઘણું લોહી વહી ગયું હતું

આ ઘટનામાં વરુણ પર જીવલેણ હુમલો કરતા તેનું ઘણું લોહી વહી ગયું હતું જેને કારણે તેને તાત્કાલિક ફોર્ટ વેઈન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. વરુણ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તબીબોના જણાવ્યા અનુસાર હાલ તેની હાલત નાજુક છે અને તેના બચવાની શક્યતા માત્ર પાંચ ટકા જ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં છેલ્લા કેટલાય વર્ષોમાં હેટ ક્રાઈમ (Hate Crime)ના કિસ્સાઓ વધી રહ્યા છે. આ અગાઉ પણ અમેરિકામાં ભારતીય પર હુમલાઓની અનેક ઘટનાઓ બની છે. થોડા દિવસો પહેલા જ ન્યુયોર્ક શહેરમાં ભારતીય મૂળના એક વૃદ્ધ શીખને કાર અકસ્માત બાદ વૃદ્ધાને ખુબ જ ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો.