અમેરિકામાં સતત બનતી ગોળીબારની (US Firing) ઘટનાઓ હવે સરકારની ચિંતા વધારી રહી છે. અલગ અલગ ભાગોમાં ગોળીબારની ઘટનાઓ વધતી જઈ રહી છે. તાજેતરનો મામલો લેવિસ્ટનથી સામે આવ્યો છે. અહીં ગોળીબારમાં 22 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. તેમજ અન્ય લગભગ 60 લોકો ઘાયલ થયા હતા.

આરોપી હજુ સુધી ફરાર 

પોલીસે જણાવ્યું કે આ ઘટના બુધવારે મોડી રાતે બની હતી. એક હુમલાખોરે બેફામ ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો હતો. તે હજુ પણ ફરાર છે. પોલીસે હુમલાખોરની તસવીર જાહેર કરી મદદ પણ માગી છે. ફોટામાં લાંબી બાયનો શર્ટ અને જીન્સ પહેરી એક વ્યક્તિ રાઈફલ પકડીને ફાયરિંગ કરી રહ્યો છે. 

લોકોને ઘરમાં રહેવા અપીલ

એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને તમામ વેપારીઓને તેમની સંસ્થાઓ બંધ રાખવા અપીલ કરાઈ છે. મેઈન ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના પ્રવક્તાએ લોકોને ઘરમાં રહેવા વિનંતી કરી છે.

લેવિસ્ટનમાં ત્રણ જગ્યાએ ફાયરિંગ 

એક અહેવાલમાં લેવિસ્ટન પોલીસ પ્રવક્તાને ટાંકીને દાવો કરાયો હતો કે સ્પેરટાઇમ રિક્રિએશન, સ્કેમેન્ઝી બાર એન્ડ ગ્રીલ રેસ્ટોરન્ટ અને વોલમાર્ટ વિતરણ કેન્દ્ર સહિત ત્રણ અલગ-અલગ જગ્યારે ગોળીબારની ઘટના બની હતી.  વોશિંગ્ટનમાં એક અમેરિકન અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાયડેનને ફાયરિંગની આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે અને તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ફાયરિંગ કરનાર શૂટિંગ ટ્રેનર હોવાનો ખુલાસો 

અમેરિકન પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર છે અને તે માત્ર શૂટિંગની ટ્રેનિંગ આપતો હતો. ગોળીબાર કરનારનું નામ રોબર્ટ કાર્ડ છે. આ ઘટનાની માહિતી રાષ્ટ્રપતિ જો બાયડેનને આપવામાં આવી છે.