સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે ગઈકાલે ODI World Cup 2023ની 23મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને 149 રનના અંતર(South Africa Beat Bangladesh)થી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને 383 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 46.4 ઓવરમાં 233 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ જીત પછી સાઉથ આફ્રિકા 5 મેચમાં 8 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલ પર બીજા સ્થાને પહોંચી ગઈ છે.

ડી કોકે 140 બોલમાં શાનદાર 174 રન ફટકાર્યા

ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 382 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે 140 બોલમાં 15 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 174 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હેનરિક ક્લાસને 49 બોલમાં 90 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકાએ શાનદાર શરૂઆત કરી હતી. ડી કોક અને રીઝા હેન્ડ્રીક્સે પ્રથમ વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી હતી. હેન્ડ્રિક્સ 7મી ઓવરમાં શોરીફુલ ઈસ્લામના હાથે બોલ્ડ થયો હતો. ત્યારબાદ મેહદી હસન મિરાઝે 8મી ઓવરમાં રાસી વાન ડેર ડુસેન (1)ને LBW આઉટ કર્યો હતો. ડી કોકે એડન માર્કરમ સાથે મળીને ત્રીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી કરી હતી. 

ક્લાસેન અને મિલરની ધમાકેદાર બેટિંગ

એડન માર્કરમે 69 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. શાકિબ અલ હસને 31મી ઓવરમાં માર્કરમને આઉટ કર્યો હતો. ડી કોક અને ક્લાસેને ચોથી વિકેટ માટે 142 રન જોડ્યા અને ટીમને 300થી આગળ લઈ ગયા હતા. ડી કોક 46મી ઓવરમાં હસન મહેમૂદના હાથે આઉટ થયો હતો. આ પછી ક્લાસેન અને ડેવિડ મિલરએ તોફાની બેટિંગ કરતા 5મી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. ક્લાસેન છેલ્લી ઓવરમાં મહેમૂદનો શિકાર બન્યો હતો. ડેવિડ મિલરે 15 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા જેમાં એ ચોગ્ગો અને 4 છગ્ગા સામેલ હતા.

બાંગ્લાદેશ માટે મહમુદુલ્લાહે શાનદાર સદી ફટકારી 

લક્ષ્યનો પીછો કરવા ઉતરી બાંગ્લાદેશ ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર તંજીદ હસન 12 બનાવી જયારે નઝમુલ હુસૈન શાંતો શૂન્યના સ્કોર પર 7મી ઓવરમાં આઉટ થયા હતા. કેપ્ટન શાકિબ અલ હસન (1) અને મુશફિકુર રહીમ (8) પણ કંઈ ખાસ કરી શક્યા ન હતા. લિટન દાસ 22 રના બનાવી આઉટ થયો હતો. તે પોતાની આ ઇનિંગને મોટી ઇનિંગમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો હતો. બાંગ્લાદેશની ખરાબ સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની 5 વિકેટ માત્ર 58ના કુલ સ્કોર પર પડી ગઈ હતી. મેહદી હસન મિરાજે 11 રનનું યોગદાન આપ્યું હતું. એક સમયે એવું લાગતું હતું કે બાંગ્લાદેશની ટીમ 100 રન પણ બનાવી શકશે નહીં પરંતુ મહમુદુલ્લાહે એક છેડો મજબૂતીથી પકડી રાખ્યો હતો. તેણે નસુમ અહમ (19) સાથે 7મી વિકેટ માટે 41, હસન મહમુદ (15) સાથે 8મી વિકેટ માટે 37 રન અને મુસ્તફિઝુર રહેમાન (11) સાથે 9મી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. બાંગ્લાદેશ માટે મહમુદુલ્લાહે શાનદાર સદી ફટકારી હતી. મહમુદુલ્લાહે 111 બોલમાં 111 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો અને 46મી ઓવરમાં 9મી વિકેટ તરીકે તે પેવેલિયન પરત ફર્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી જેરાલ્ડ કોએત્ઝીએ 3 વિકેટ લીધી હતી જ્યારે લિઝાદ વિલિયમ્સ, માર્કો જેન્સેન અને કાગીસો રબાડાએ બે-બે વિકેટ લીધી હતી. કેશવ મહારાજને એક વિકેટ મળી હતી.